December 20, 2025
ટોપ ન્યુઝનેશનલ

માનવતા હજુ જીવે છેઃ હાથિણીની પ્રસૂતિ માટે બે કલાક સુધી ટ્રેનવ્યવહાર રોકી દીધો…

Spread the love


હાથિણીની રેલવે ટ્રેક નજીક થઈ પ્રસૂતિ, કેન્દ્રીય પ્રધાને વીડિયો શેર કર્યો

દેશ અને દુનિયામાં માનવી માનવતા ત્યજી રહ્યો છે, પરંતુ હજુ દુનિયામાં એવા પણ કિસ્સા જોવા મળે છે, જેમાં લાગે છે હજુ માનવતા જીવે છે. 2020માં કેરળમાં એક પ્રેગનન્ટ હાથિણીને અનાનસ (ફટાકડાંવાળું) આપીને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારવામાં આવી હતી, જ્યારે અંતરિયાળ રાજ્ય ઝારખંડમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. ઝારખંડના રામગઢ વન સેક્ટરમાં વન વિભાગમાં રેલવે ટ્રેક નજીક હાથિણી પ્રસુતિ થઈ અને જ્યાં સુધી સુરક્ષિત પ્રસુતિ થઈ નહીં ત્યાં સુધી ટ્રેનના ડ્રાઈવરે ટ્રેન રોકી દીધી હતી, જે સમાચારને લઈને વનપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

વાત જાણે એમ છે કે ઝારખંડના રામગઢ ડિવિઝનના રેલવે ટ્રેક નજીક હાથીઓના ઝૂંડથી વિખુટી પડેલી હાથણીની રેલવે ટ્રેક નજીક પ્રસુતિ થઈ હતી. પ્રસુતિ અંગે ટ્રેનના ડ્રાઈવરની જાણ થયા પછી ટ્રેનને રોકી દીધી હતી. સ્થાનિક ગ્રામીણ લોકોના સહકાર અને રેલવે મેનેજમેન્ટ અને વન વિભાગના યોગ્ય સમન્વયને લઈ હાથણીની સુરક્ષિત પ્રસુતિ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર આ બનાવ 25 જૂનના બન્યો હતો. પ્રસુતિ વખતે જોરદાર પીડાને કારણે કણસતી હતી. એના અવાજ સાંભળીને આસપાસના ગામના રહેવાસીઓ એકત્ર થયા હતા અને વન વિભાગને જાણ કરી હતી, ત્યારબાદ રામગઢ વન વિભાગના રેલવેને જાણ કરી હતી. રેલવે ટ્રેક પર હાથિણીની પ્રસૂતિને કારણે ટ્રેનસેવા રોકી દેવામાં આવી હતી.

પ્રસૂતિ પછી હાથિણી અને નવજાત બચ્ચાને સુરક્ષિત રીતે જંગલના રસ્તે લઈ જવામાં સફળ રહ્યા હતા. પ્રસૂતિ પછી હાથિણી અને બચ્ચું રમતું રમતું માતાને પગલે ચાલી નીકળ્યું હતું. આ બનાવ અંગેનો વીડિયો કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે માનવ-પશુ વચ્ચેના સંઘર્ષની ખબરો વચ્ચે આ ઘટના સહ-અસ્તિત્વના સકારાત્મકતાની ઝલક જોવા મળે છે.


વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રામગઢ ફોરેસ્ટ ડિવિઝનના સરવાહા ચરહી ગામ નજીક પંદર દિવસ પહેલા હાથીઓનું ઝૂંડ બોકારોથી જતા રામગઢ જિલ્લાના બસંતપુર, હજારીબાગ જિલ્લાના ચિંચિ કલા, કરગી ગાંવથી સરવાહા પહોંચ્યા હતા. 25મી જૂને હાથિણી ઝૂંડથી અલગ થઈ ગઈ હતી. સીઆઈસી સેક્શનના હજારીબાગ-બરકાકાના રેલવે સેક્શનના સરવાહા ગામ પહોંચી હતી.

રામગઢ ડીએફઓ નીતીશ કુમારે કહ્યું હતું કે આ બનાવ પચીસમી જૂને બન્યો હતો હાથિણીની પ્રસૂતિને કારણે રેલવે કોરિડોરને બે કલાક માટે રોકી દેવામાં આવ્યો હતો. જોકે, સેક્શનમાં પહેલી વખત બન્યું હશે, જ્યાં હાથીને કારણે ટ્રેનસેવા રોકવામાં આવી હોય. જો ટ્રેનસેવા રોકવામાં આવી ના હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!