ટ્રેનના AC કોચમાં બેડશીટ-કંબલ ચોરી કરતા ઝડપાયા: જાણો કેટલો થાય છે દંડ?
ભારતીય રેલવેની પ્રોપર્ટી ચોરી કરવા પર કડક કાયદો, ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓ પર પણ શંકા: જાણો શું છે મામલો
ભારતીય રેલવે પ્રવાસીઓની લાઈફલાઈન છે, જે ઝડપથી અને સસ્તા ભાડે અવરજવર કરવાનું શ્રેષ્ઠ સાધન છે. રોજના કરોડો પ્રવાસીઓ એક સ્ટેશનથી બીજા સ્ટેશન યા પોતાની મંઝીલે ટ્રાવેલ કરે છે, પરંતુ પેસેન્જર હંમેશાં રેલવેની અસુવિધા મુદ્દે ટાર્ગેટ કરે છે, પણ રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડવાનું હોય કે તોડફોડ યા ચોરી કરવાની હોય તો ડર્યા વિના બિન્દાસ્ત કરે છે. સામાન્ય જનરલ કોચના ટોઈલેટમાં પાણીનો મગ બાંધીને રાખવો પડે છે છતાં ચોરી થઈ જાય છે. ટ્રેનના પંખા, લાઈટ્સ, વિન્ડોની શીટ કે અન્ય વસ્તુઓની લોકો ચોરી કરી જાય છે પણ ચોરને પકડવા મુશ્કેલ હોય છે. હવે રેલવે આધુનિક બનીને સીસીટીવી કેમેરા બેસાડવાનું ચાલુ કર્યું છે અને ચોર પકડાઈ જાય છે પણ પુરુષોત્તમ એક્સપ્રેસના એસી કોચમાંથી બેડશીટ-કંબલ ચોરી કરતા એક દંપતી ઝડપાયું હતું. પ્રવાસીઓની સુવિધા માટે એસી કોચમાં પ્રવાસીઓને બેડશીટ, તકિયો, કંબલની સુવિધા આપવામાં આવે છે, જેથી પ્રવાસીઓ આરામથી ટ્રાવેલ કરે પણ એનો દુરુપયોગ થાય છે પણ આ ટ્રેનમાં દંપતી ચોરી કરતા રંગેહાથે ઝડપાઈ જવાને કારણે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

પરિવારને ઘેરી લીધા પછી કબૂલાત કરી
વાત જાણે એમ છે કે પુરુષોત્તમ એક્સપ્રેસ ઓડિશા પુરી અને નવી દિલ્હી વચ્ચે દોડાવાય છે. આ ટ્રેન દિલ્હીથી નીકળીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ થઈને ઓડિશા પોહંચે છે. સોશિયલ મીડિયા પર બેડરોલની ચોરીનો વીડિયો વાઈરલ થયા પછી યૂઝરે દંપતીને આડે હાથ લીધું હતું. એક વીડિયોમાં એક મહિલા સહિત ત્રણ લોકોના પરિવારને ટિકિટ ચેકર અને રેલવે કર્મચારીઓએ ઘેરી લીધા હતા અને તેમની વચ્ચે રેલવેની ચાદર લઈ જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
Traveling in 1st AC of Purushottam express is a matter of pride itself.
But still people are there who don't hesitate to steal and take home those bedsheets supplied for additional comfort during travel. pic.twitter.com/0LgbXPQ2Uj
— ଦେବବ୍ରତ Sahoo 🇮🇳 (@bapisahoo) September 19, 2025
ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં ચોરી, શરમજનક
વીડિયોમાં મહિલા પોતાની બેગમાંથી રેલવેની બેડશીટ કાઢતા જોવા મળી હતી, જ્યારે ત્યાં હાજર પ્રવાસીઓએ તેમના પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. એક યૂઝરે લખ્યું હતું કે પુરુષોત્તમ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચમાં ટ્રાવેલ કરવાની ગૌરવની વાત છે, પરંતુ અમુક લોકો ટ્રેનમાં ચોરી કરતા અચકાતા નથી શરમજનક. અન્ય એક વીડિયોમાં એટેન્ડન્ટ બેગમાંથી ચાદર અને કંબલ કાઢ્યા હતા. બેગમાંથી ચાર બેડશીટ, નેપ્કિન કાઢવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે આ બધુ પાછું આપો અને 780 રુપિયાનો દંડ ભરો.

એફઆઆઈઆર નોંધવા સાથે દંડ વસૂલો
આ મુદ્દે પ્રવાસીએ માફી માગતા કહ્યું હતું કે તેનાથી ભૂલ થઈ ગઈ. ભૂલથી તેની માતાએ પેક કરી હતી, પરંતુ એટેન્ડન્ટ એની વાત માનવા તૈયાર થયા નહોતા અને કહ્યું હતું કે જ્યારે તમે ફર્સ્ટ એસીમાં ટ્રાવેલ કરો છો તો ચોરી શા માટે કરો છો. આ વાત વણસી ગયા પછી ટિકિટચેકરે પીએનઆર નંબર લઈને એફઆઈઆર નોંધવાની વાત કરી હતી. આ મુદ્દે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી સમગ્ર બનાવને શરમજનક ગણાવ્યો હતો અને આકરો દંડ વસૂલવાનો અનુરોધ કર્યો હતો. 2017-18માં લાખો રુપિયાના લિનનની ચોરી થવાથી રેલવેને મોટું નુકસાન થયું હોવાની કબૂલાત કરી હતી.
રેલવેમાં ચોરી કરવાથી કેટલો દંડ થાય છે?
ભારતીય રેલ અધિનિયમ 1966ની કલમ 3 અન્વયે રેલવે સંપત્તિની ચોરી અથવા નુકસાન પહોંચાડવા બદલ સખત કાર્યવાહી કરવામાં આવે છે. ભારતીય રેલવેના કાયદા અનુસાર રેલવેની પ્રોપર્ટીની ચોરી કરવાનો મોટો ગુનો છે. પહેલી વખત ગુનો કરનારી વ્યક્તિને એક વર્ષની જેલની સજા અથવા 1,000 રુપિયા સુધીનો દંડ વસૂલવામાં આવે છે. આ બાબતને સોશિયલ મીડિયા પર લોકોએ વખોડી નાખી હતી, જ્યારે રેલવે અધિકારીઓએ પેસેન્જરની હરકત મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.
