તાજ મહેલમાં પર્યટકો નહીં લઈ જઈ શકે પાણીની બોટલ, જાણી લો શું છે નવો નિયમ
તાજ મહેલએ પ્રેમની નિશાની હોવાની સાથે સાથે દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે અને હવે આ તાજ મહેલ જોવા જનારા પર્યટકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પર્યટકો હવે મુખ્ય ગુમ્મટ સુધી પીવાના પાણીની બોટલ લઈને નહીં જઈ શકે. ભારતીય પુરાત્ત્વ સર્વેક્ષણ દ્વારા આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
પર્યટકો પર તાજ મહેલના મુખ્ય ગુમ્મટ સુધી પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે પર્યટકો માત્ર ચમેલી ફર્શ સુધી જ પાણીની બોટલ લઈ જઈ શકશે, એવું આદેશમાં જણાવવામાં આવ્યું છે. પરિસરમાં તહેનાત સુરક્ષાકર્મીઓ આ વાતની ચોકસાઈ કરશે અને ચમેલી ફર્શથી આગળ જનારા પર્યટકોએ પોતાની પાસે રહેલી પાણીની બોટલ ત્યાં જ કચરાપેટીમાં ફેંકીને આગળ જવું પડશે.
આ નવો નિયમ પુરાતત્વ વિભાગ દ્વારા સોમવારથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા નિયમને કારણે ગરમીમાં કે ઉકળાટભર્યા દિવસોમાં પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ નવો નિયમ તાજ મહેલ ગંગાજળ ચઢાવવાની અને ભગવો ફરકાવવાની ઘટનાઓને ધ્યાનમાં લઈને બનાવવાં આવ્યો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આ નિર્ણયને ઉત્તર પ્રદેશ ટુરિસ્ટ ગાઈડ વેલ્ફેયર એસોસિએશને પર્યટકો માટે મુશ્કેલ ગણાવ્યો હતો. બીજી બાજુ પુરાતત્ત્વ વિભાગનું એવું કહેવું છે કે આ નિર્ણય લેતાની સાથે જ પર્યટકો માટે પહેલાંથી જ મુખ્ય ગુંબજ પાસે એએસઆઈ દ્વારા પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લાસ્ટિકની બોટલના વધતા વપરાશને કારણે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને પર્યાવરણના જતનનો મુખ્ય ઉદ્દેશ છે. આ ઉપરાંત, પાણીના વેડફાટને પણ રોકી શકાશે. પ્લાસ્ટિકની બોટલના વપરાશને કારણે તેનો રિયુઝ પણ કરી શકાતો નથી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે.