મુંબઈમાં મુશળધાર વરસાદઃ જનજીવન ઠપ્પ, શાળા કોલેજમાં રજા
મધ્ય રેલવેમાં થાણે- સીએસએમટી ટ્રેનવ્યવહાર ઠપ્પ
મુંબઈ: રવિવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો પણ ખોરવાઈ જતા અઠવાડિયાના પહેલાં જ દિવસે મુંબઈગરાઓને ભાગે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ટ્રેનવ્યવહાર ખોરવાતા લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવતા ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી.

મધ્ય રેલવે પણ ભાંડુપ, નાહુર, સાયન, માટુંગા, ઘાટકોપર, કુર્લા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં કલ્યાણ, બદલાપુર વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો હતો. હાર્બર લાઈન પર પણ માનખુર્દ સ્ટેશન નજીક પાણી ભરાઈ જતાં ટ્રેનો ખોટકાઈ હતી, જેને કારણે અઠવાડિયાના પહેલા જ દિવસે મુંબઈગરાઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દરમિયાન પશ્ચિમ રેલવે પર ટ્રેનવ્યવહાર 10થી 15 મિનિટના વિલંબથી ચાલી રહ્યો હોવાની માહિતી પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રવિવાર મધરાતે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં 300 મિમી વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા પાલિકાના અખત્યાર હેઠળની તમામ શાળાના અને કોલેજમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ દિવસભરમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે સાયન, ભાંડુપ અને નાહુર સ્ટેશનની વચ્ચે ટ્રેનસેવાના પરિવહન પર ગંભીર અસર થઈ છે, પરિણામે લોકલ ટ્રેનોને કલાક માટે રોકી દેવામાં આવી હતી. રેલવે ટ્રેક પરથી પાણીનું સ્તર ઘટ્યા પછી ટ્રેનસેવા રાબેતા મુજબ થવાની શક્યતા રહેશે.
ભારે વરસાદને કારણે મુંબઈ સબર્બનમાં હાર્બર લાઈનમાં ટ્રેનસેવા સંપૂર્ણ સ્થગિત કરવામાં આવી હતી. મધ્ય રેલવેના અનેક સ્ટેશનના રેલવે ટ્રેક પર પાણી ફરી વળવાને કારણે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી હતી, જેમાં ચેન્નઈ-સીએસએમટી, પુણે-સીએસએમટી, પુણે-સીએસએમટી ડેક્કન ક્વીન તેમ જ સીએસએમટી-પુણે ઈન્ટરસિટીનો સમાવેશ થાય છે.
