Independence Dayની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને સંબોધીને કહ્યું આર્થિક સુધારા માટે મંચ તૈયાર…
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બુધવારે 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને દેશને શુભકામના પાઠવવામાં આવી હતી. તિરંગાને લહેરાતો જોવાની ખુશી ઉત્સાહવર્ધક હોય છે. ચાહે પછી લાલ કિલ્લો હોય કે રાજ્યની રાજધાની કે પછી આપણે આસપાસ ઉત્સવ જેવો માહોલ હોય છે. રાષ્ટ્રપતિએ ખાસ તો આર્થિક સુધારા માટે મંચ તૈયાર છે, જ્યારે દેશવાસીઓના હાથમાં વધારે પૈસા આવ્યા છે તેમ જ ગરીબી રેખાથી નીચેના લોકોની સંખ્યા પણ ઓછી થઈ હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે જે રીતે આપણે આપણા પરિવાર સાથે વિવિધ તહેવારની ઉજવણી કરીએ છીએ એ જ રીતે સ્વતંત્રતા દિવસ અન ગણતંત્ર દિવસને પણ આપણે આ જ પરિવાર સાથે ઉજવીએ છીએ. રાષ્ટ્રપતિએ 14 ઓગસ્ટના વિભાજન દિવસથી લઈને ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાની સાથે જી-ટવેન્ટીમાં ભારતનું પ્રતિનિધિત્વ સહિત સરકારની તમામ ઉપલબ્ધિઓની ઝાંખી કરાવી હતી. આઝાદીના 100માં વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્રમાં બદલવા માટે સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ સંબોધન આજે સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દી તેમ જ અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિનું ભાષણ દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદમાં દૂરદર્શનની અન્ય પ્રાદેશિક ચેનલો પર પ્રાદેશિક ભાષાઓમાં આ ભાષણ પ્રસારિત કર્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મૂ ગઈકાલે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન પણ કરવાનું પ્લાનિંગ હતું અને સામાન્ય નાગરિકો માટે આ ગાર્ડન શુક્રવારથી 15મી સપ્ટેમ્બર સુધી સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવશે. છેલ્લી એન્ટ્રી સાંજે 5.15 કલાકે આપવામાં આવશે.
અમૃત ઉદ્યાનની વિશેષતા
વાત કરીએ અમૃત ઉદ્યાનના મુખ્ય આકર્ષણની તો આ વખતે અમૃત ઉદ્યાનમાં સ્ટોન એબેકસ, સાઉન્ડ પાઇપ અને મ્યુઝિક વોલ જેવા મુખ્ય આકર્ષણ જોવા મળશે. અમૃત ઉદ્યાનની મુલાકાત લેનારા લોકોને તુલસીના બીજમાંથી બનાવેલ ‘બીજ પત્રો’ પણ ભેટમાં આપવામાં આવશે, જે એક અનોખું અને પર્યાવરણને અનુકૂળ સંભારણું છે, એવું પણ રાષ્ટ્રપતિ ભવન દ્વારા અખબારી યાદીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ બીજના પાંદડા મુલાકાતીઓને તેમના ઘરે હરિયાળી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરશે. આ કાગળના ટુકડાને જમીનમાં વાવીને લોકો હરિયાળી વધારી શકે છે અને પ્રકૃતિનું સંવર્ધન કરવામાં મદદ કરી શકે છે.
સોમવારે બંધ રહેશે અમૃત ઉદ્યાન
આ અમૃત ઉદ્યાનમાં બગીચામાં સ્ટોન એબેકસ, ‘સાઉન્ડ પાઇપ અને મ્યુઝિક વોલ પણ છે, જે બાળકો માટે ખાસ આકર્ષણ બની રહેશે. જાળવણી માટે અમૃત ઉદ્યાન તમામ સોમવારે બંધ રહેશે. નોર્થ એવેન્યુ રોડ પાસેના રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35માંથી જાહેર જનતા માટે પ્રવેશ થશે. ઉદ્યાનમાં સ્લોટ અને પ્રવેશ માટે બુકિંગ નિઃશુલ્ક છે. રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ પર આ માટેનું ઓનલાઈન બુકિંગ કરી શકાશે. ‘વૉક-ઇન વિઝિટર’ માટે ગેટ નંબર 35ની બહાર મૂકવામાં આવેલા સેલ્ફ-સર્વિસ કિઓસ્ક દ્વારા પણ બુકિંગ કરી શકશે.
