આજે Prime Minister Narendra Modi મહારાષ્ટ્રમાં, આપશે અનોખી ભેટ
અમરાવતી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે એટલે કે 20મી સપ્ટેમ્બરના મહારાષ્ટ્રની ફરી એક વખત મુલાકાત છે, જ્યાં તેઓ વિવિધ ઉજવણીમાં ભાગ લેશે અને વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ઘાટન પણ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘પીએમ વિશ્વકર્મા’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સિવાય વિશ્વકર્મા યોજના હેઠળ પ્રગતિના એક વર્ષ પૂર્ણ થતા જ કરવામાં આવનારી ઉજવણીમાં પીએમ મોદી ભાગ લેશે. પીએમ મોદી અનેક વિકાસ અને સ્ટાર્ટ-અપ યોજનાઓનો શુભારંભ પણ કરશે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી મહારાષ્ટ્રના અમરાવતી ખાતે મિત્ર પાર્કનો શિલાન્યાસ પણ કરશે.
પહેલા પીએમ મોદી વર્ધાની મુલાકાતે જશે
વાત કરીએ પીએમ નરેન્દ્ર મોદીના શેડ્યુલની તો આજે સવારે સાડા અગિયાર વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતે પહોંચશે, જ્યાં તેઓ પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ તેમ જ લોન પણ આપશે. આ યોજનાનું એક વર્ષ પૂરું થવાની યાદમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. મહારાષ્ટ્રની આ મુલાકાત દરમિયાન પીએમ મોદી આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર મહિલા સ્ટાર્ટ-અપ યોજના પણ લોન્ચ કરશે.
ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજનાનો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર સરકારની આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર યોજનાનો પ્રારંભ પણ કરશે. આ યોજનામાં 15થી 45 વર્ષની વયના યુવાનોને તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને રોજગારીની વિવિધ તકો હાંસિલ કરી શકે. રાજ્યના લગભગ 1,50,000 યુવાનોને દર વર્ષે મફત કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે. પીએમ મોદી પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોળકર મહિલા સ્ટાર્ટઅપ યોજના પણ લોન્ચ કરશે.
મહિલાઓને સ્ટાર્ટઅપ્સ માટે આર્થિક સહાય
આ યોજના હેઠળ, મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં મદદ કરવામાં આવશે. આ યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ, કુલ જોગવાઈઓના 25 ટકા પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આનાથી મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનવામાં મદદ મળશે.
100 એકરમાં ફેલાયેલ પાર્કનો શિલાન્યાસ
મહારાષ્ટ્રની આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મહારાષ્ટ્રના અમરાવતીમાં પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન અને એપેરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કરશે. મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) દ્વારા આશરે 1000 એકરમાં ફેલાયેલા આ પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે કાપડ ઉદ્યોગ માટે 7 પીએમ મિત્ર પાર્ક સ્થાપવાની મંજૂરી આપી હતી.