July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થાઓને શ્રેષ્ઠ બનાવવા ગયા વર્ષની તુલનાએ આ વર્ષના બજેટમાં 16 ટકાનો કરાયો વધારો

Spread the love


પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કાર્ડને લગતી ફરિયાદ અને જાણકારી માટે 079-6644-0104 નંબર કાર્યરત

રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા પક્ષ – વિપક્ષ ન જોઇને સૌને સાથે રાખીને કામ કરવાની સરકારની નીતિ છે. આરોગ્યસેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ટીકાત્મક ઉપરાંત સર્જનાત્મક સૂચન પણ હંમેશા સરકારમાં આવકાર્ય છે. જેનો સરકાર ખુલ્લા મને સ્વીકાર કરીને તેના પર કામ કરે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કાર્ડ અને સુવિધાને લગતી ફરિયાદ અને જાણકારી માટે રાજ્ય સરકારે 079-6644-0104 નંબર કાર્યરત કર્યો છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિધાનસભા ગૃહમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માંગણીઓ પર જવાબ આપી રહ્યાં હતા ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે જે મગજ, નર્વ સિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે. રાજયના તબીબી વિધાર્થીઓ/ન્યુરોલોજીકલ તબીબોને નવીન સારવાર, ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરાશે તેમજ આ સંસ્થામાં ભવિષ્યમાં ન્યુરોલોજી/ન્યુરો સાયન્સને લગતા ઉચ્ચ અભ્યાસક્રમો પણ શરૂ કરી શકાશે .આ સંસ્થા સંપુર્ણપણે કાર્યરત થતા રાજયમાં અન્ય જગ્યાઓએ પણ સેટેલાઈટ સેન્ટર શરૂ કરાશે. રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓને સર્વશ્રેષ્ઠ બનાવવા ગત્ વર્ષની તુલનાએ આ વર્ષના બજેટમાં ૧૬.૩૫ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

કૅન્સર: રાજ્યના ત્રણ જિલ્લામાં નવીન ત્રણ રેડિયોથેરાપી સેન્ટરની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર , હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરાશે.

હ્રદયરોગ: યુ.એન. મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી, અમદાવાદ દ્વારા ગાંધીનગર, સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ, ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર કાર્યરત કરાશે.

પેલિયેટીવ કેર: ગંભીર કે જીવલેણ બીમારીથી પીડિત દર્દી જ્યારે જિંદગીના અંતિમ તબક્કામાં હોય ત્યારે તેને સારવારની સાથે સંભાળ પણ મળે તે માટેના નવીન અભિગમ સાથે રાજ્ય સરકારે 6 સરકારી હોસ્પિટલમાં પેલિયેટીવ કેર વોર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની ૬ સરકારી સિવિલ હોસ્પિટલોમાં ૩૦ પુરૂષ અને ૩૦ સ્ત્રી એમ કુલ ૬૦ પથારીના પેલિયેટિવ કેર વોર્ડ શરૂ કરવા માનવબળ ઉપલબ્ધ કરાશે. ગંભીર ,અસાધ્ય અને જીવલેણ બીમારીના કારણે અંતિમ તબ્બકામાં હોય તેવા દર્દીઓને તબીબી સારવારની વિવિધ પધ્ધતિઓ દ્વારા પીડામાંથી મુક્તિના પ્રયાસો હાથ ધરાશે.

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગઃ રાજ્યમાં દવાઓના નમુના ચકાસણી ઝડપી બનાવવા ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે નવી ખોરાક અને ઔષધ પ્રયોગશાળા સ્થાપવામાંનો તેમજ ખાદ્ય પદાર્થોના નમુના ચકાસવા માટે નવીન ત્રણ લેબ મહેસાણા, વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં સ્થાપવા માટે પ્રયોગશાળાઓના બાંધકામ માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૨૮.૩૧ કરોડની જોગવાઈ કરાઇ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

બાળ અને માતા મૃત્યુ દર ઘટાડવાઃ વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં અતિ જોખમી અને જોખમી સગર્ભા માતાઓને ૧૮૦ દિવસ સુધી પોષણક્ષમ બિસ્કીટ ઉપલબ્ધ કરાવવા માટેની જોગવાઇ કરાઇ છે.
રાજ્યના છેવાડાના માનવી સુધી આરોગ્ય વિષયક સેવાઓ સમયસર પહોંચે તે માટે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કચ્છ અને બનાસકાંઠાના પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ ૩૦ ફિમેલ હેલ્થ વર્કરની નવી જગ્યાઓ ઉભી કરાશે. નમો શ્રી યોજના અંતર્ગત ૧૧ કેટેગરીની બહેનોને ખાનગી અને સરકારી સંસ્થાકીય પ્રસુતિમાં તબક્કા વાર કુલ રૂ.૧૨,૦૦૦ની સહાય અપાય છે જેના માટે આ વર્ષના બજેટમાં કુલ રૂા.૪૮૮.૪૦ કરોડની જોગવાઈ કરાઇ હતી. રાજ્યની જિલ્લા તેમ જ પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ રૂમ(કોલ્ડ સ્ટોરેજ બોક્ષ સહિત)નું બાંધકામ કરવા રૂ.૧૫ કરોડની જોગવાઇ અને નવીન 200 જેટલી 108 એમ્બ્યુલન્સ ખરીદવા માટે કુલ રૂ.૪૮.૦૦ કરોડની જોગવાઇ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!