સાવધાનઃ ઘરના કંકાસથી છુટકારો મેળવવા પતિએ લીધો તાંત્રિકનો આશરો, પછી તાંત્રિકે કર્યું આ કારસ્તાન…
જોધપુરઃ ભારતના શાહી અને મહેલોની રાજધાની ગણાતા રાજસ્થાનના જોધપુરથી એક ખૂબ જ વિચિત્ર કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે જોધપુરના એક ગામડાંની મહિલાએ બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે તેમણે તેના પતિની તમામ મિલકત પોતાના નામે કરાવીને કોઈ થર્ડ પાર્ટીને વેચી દેવામાં આવે છે. મહિલાને એ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેને ઘર ખાલી કરવાની ધમકી મળી. આવો જોઈએ શું છે આ આખો મામલો વિસ્તારથી…
એક ઓનલાઈન વેબ પોર્ટલના રિપોર્ટ અનુસાર જોધપુરના ભોપાલગઢમાં બનેલી આ ઘટના અનુસાર અહીંના આસોપ રોડ પર રહેતી 52 વર્ષની સુષ્મા દેવરાએ પોલીસ સ્ટેશનમાં ચાર જણ વિરુદ્ધ FIR નોંધાવી છે. પોતાની ફરિયાદમાં સુષ્માએ જણાવ્યું હતું કે પરિવારમાં લાંબા સમયથી તકરાર અને વાદ-વિવાદ ચાલી રહ્યા હતા અને એનાથી કંટાળીને તેના પતિ ચેતન રામે કાલા જાદુ કરનાર તાંત્રિક કાલુ ખાનનો સંપર્ક સાધ્યો હતો. આ કાલુ ખાને તેના પુત્ર અબ્દુલ કાદિર સાથે મળીને તેના પતિને કૌટુંબિક ઝઘડાનો અંત લાવવા માટે એક ઉપાય સૂચવ્યો હતો અને આ ઉપાય એ હતો કે ચેતને તેની તમામ પ્રોપર્ટી તેને ટ્રાન્સફર કરવી પડશે.
પોતાની ફરિયાદમાં સુષ્માએ એવું જણાવ્યું હતું કાલુ ખાન અને અબ્દુલ કાદિરે ચેતનને આ વાતની બાંહેધરી આપી હતી કે બધું બરાબર થઈ ગયા બાદ તેઓ તેની પ્રોપર્ટી પાછી એના નામ પર કરી નાખશે. ચેતને કાલુ ખાનની વાત સાંભળીને પ્રોપર્ટી તેના નામે ટ્રાન્સફર કરી દીધી. ત્યાર તેમણે ચેતનને ઘરમાં કોઈનું મૃત્યુ થશે એવો ડર બતાવીને ઘર પણ પોતાના નામે કરાવી લીધું. જોકે આ ઉપાય કર્યા બાદ પણ જ્યારે ઘરમાં ચાલી રહેલો કંકાસ દૂર ના થયો એટલે ચેતને બંનેને તેમની મિલકત તેમના નામે કરવાનું જણાવ્યું હતું.
પરંતુ ત્યાર બાદ કાલુ ખાન અને અબ્દુલ કાદિરે ચેતનરામને ધમકી આપી હતી કે જો તેઓ અત્યારે બધી પ્રોપર્ટી પાછી આપશે તો પરિવારમાં કોઈનું મૃત્યુ થશે. આ બધાથી છુટકારો મેળવવા અને પરિવારની સુરક્ષા માટે તેમણે પ્રોપર્ટી કોઈ ત્રીજાને વહેંચવી જ પડશે. મિલકત તેમના નામે પરત કરવામાં આવે તો ઘરમાં કોઈનું મૃત્યુ થઈ શકે છે.
સુષ્મા દેવરાના જણાવ્યા અનુસાર તેનો પતિ ચેતન રામ આ તાંત્રિકની વાતમાં આવી ગયા અને કાલુ ખાન તેમ જ અબ્દુલ કાદિરે તેમની મિલકત બીરબલ અને રામ કિશોરને માત્ર 24,91,000 રૂપિયામાં વેચી દીધી હતી. જ્યારે પ્રોપર્ટીની કિંમત એના કરતાં અનેક ઘણી વધારે છે. FIRમાં એવું પમ જણાવવામાં આવ્યું છે કે આ પ્રોપર્ટી વેચવાના બદલે ચેતન રામને કોઈ પણ પ્રકરાની રકમ ચૂકવવામાં આવી નથી.
આ આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 17મી મેના રોજ કેટલાક લોકો આવીને સુષ્માને એમનું ઘર ખાલી કરવા માટે ધમકી આપી હતી. સુષ્મા દેવરાએ કાલુ ખાન, અબ્દુલ કાદિર, બિરબલ અને રામ કિશોર વિરુદ્ધ કેસ ફરિયાદ નોંધાવી છે.