December 20, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ઘાટ કરતા ઘડામણ મોંઘુંઃ ‘ગંભીરા’ બ્રિજ પરથી ટ્રક ઉતારવા પ્રશાસન ‘ગંભીર’

Spread the love

ગુજરાતમાં સૌરાષ્ટ્રને જોડનારા ગંભીરા પુલ તૂટી પડ્યા પછીના દૃશ્યો આ સદીના સૌથી વિનાશક પુલ પૈકીના એક હશે. ખળખળ વહેતી નદીના પટ પરથી પસાર થનારા વાહનો પુલ તૂટવાને કારણે ખાબકે છે, જ્યારે અનેક લોકો ભોગ બને છે. આ દુર્ઘટનામાં તંત્રની બેદરકારી છતી કરી હતી. નવમી જુલાઈના વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે પુલ પર બચાવ કામગીરી પૂરી કર્યા પછી દિવસો સુધી અટકેલા ટ્રકને ઉતારવા માટે ટ્રક ડ્રાઈવરે વિનંતી કરી હતી, પરંતુ તંત્રને પહેલા સરહદો નડતી હતી.

સરકારના આદેશ પછી બ્રિજ પરથી ટેન્કર ઉતારાશે
ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી બ્રિજ પરથી ટ્રક ઉતારવા માટે શિવમ રોડલાઈન્સના માલિક રામાશંકરર ઈન્દ્રબહાદુર પાલે આણંદ અને વડોદરાની સરકારી કચેરીઓમાં રજૂઆત કરી હતી. જોકે, આણંદ અને વડોદરાને જોડતા બ્રિજ પરથી જે સ્થળે ટ્રક લટકી રહી હતી તે ભાગ વડોદરા જિલ્લામાં આવતો હતો, પરંતુ ટ્રક કાઢવી હોય તો આણંદ જિલ્લા તરફથી કામ કરવાનું જરુરી હતું. આ સંજોગોમાં સરકારના આદેશ પછી પણ બ્રિજ પરથી ટ્રક ઉતારવાનું નક્કી કર્યું નહોતું. આ મુદ્દે રાજકીય આગેવાનો પણ મેદાનમાં આવ્યા પછી બ્રિજ પરથી ટેન્કરને ઉતારવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરફથી અઠવાડિયામાં ટેન્કર નીચે ઉતારવામાં આવશે એવી પણ ખાતરી આપવામાં આવી હતી પણ એનો ખર્ચ કેટલો થશે એ તો પછી ખબર પડશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અઠવાડિયામાં ટેન્કર ઉતારવાની તૈયારી
મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ તરફથી મહી નદીના બ્રિજ પર લટકેલી ટેન્કરને બહાર કાઢવા તૈયારી દર્શાવી હતી, જેમની પાસે આધુનિક મશીન પણ છે. બ્રિજ તૂટેલો હોવાથી કોઈ પણ પ્રકારના બીજા નુકસાન વિના બહાર કાઢી શકાય એના પાસાની વિચારણા કરવામાં આવી રહી છે.
એર લિફ્ટિંગ બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ ટેક્નોલોજી હવામાં ભરેલા વિશેષ પ્રકારના બલૂન્સ (એરબેગ્સ)નો ઉપયોગ કરે છે, જે ભારી વાહનો જેમ કે ટ્રક, બસ, કે કારને સ્થિર કરી શકે છે, ઊંચકીને સપાટી પર લાવી શકે છે અથવા પાણીમાંથી બહાર કાઢી શકે છે. એક અઠવાડિયામાં આ બ્રિજ પરથી ટ્રક ઉતારી લેવામાં આવશે એ સહી સલામત હશે કે નહીં એ સમય કહેશે, પણ અહીં નવા પુલ વિના સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે એ હકીકત છે.

ગંભીરા ગામ પરથી પુલનું નામ ગંભીરા પડ્યું
આ બ્રિજ નિર્માણ કાર્ય 1986માં કરવામાં આવ્યું હતું. 1981માં કામ શરુ કર્યા પછી પાંચ વર્ષ સુધી કામ ચાલ્યું અને 3.16 કરોડના ખર્ચે 832 મીટર લાંબા અને 7.5 મીટર (બંને બાજુ દોઢ મીટર ફૂટપાથ)ની પહોળાઈ ધરાવતો હતો. આ પુલ ભરૂચ જિલ્લામાંથી તેમ જ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જવાના માર્ગોને જોડવાનું કામ કરે છે. આણંદ અને વડોદરા જિલ્લાની સીમા પરના મુજપરા અને ગંભીરા ગામની વચ્ચે આવેલો છે, તેથી તેનું નામ ગંભીરા પુલ તરીકે ઓળખાય છે.

212 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કરાશે બ્રિજ
આ બ્રિજની સુરક્ષા અંગે અનેક વાર સવાલો ઊઠ્યા હતા. વાહનોની અવરજવરથી આ પુલ સતત ધમધમતો રહેતો, જ્યારે છેલ્લા 10 વર્ષથી તો બ્રિજના રિપેરિંગની અપીલ કરવામાં આવતી હતી, પરંતુ તેના તરફ તંત્રએ આંખ આડા કાન કર્યાં હતા. આ અગાઉ 2024માં સુરતની એજન્સી 1.18 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કર્યું હતું. હવે સરકારે નવો બ્રિજ બનાવવા માટે 212 કરોડનો ખર્ચ પણ મંજૂર કર્યો છે, પરંતુ બ્રિજ તૂટવાને કારણે રાજ્યના અનેક પુલ પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!