શેર યા સવાશેરઃ 25 પૈસાના શેરનો ભાવ 994 રુપિયાના મથાળે પહોંચ્યો, કેટલું રિટર્ન મળ્યું?
મન્ડે સ્ટારઃ શેરબજારમાં અત્યારે નાના-મોટા ઉતારચઢાઉ વચ્ચે હરિયાણાની દારુ બનાવનારી કંપનીના સ્ટોકના ભાવ આસમાને પહોંચ્યા છે. સેન્સેક્સ-નિફ્ટીમાં નરમાઈના વલણ વચ્ચે હરિયાણાની દારુ બનાવનારી પિકેડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ સતત પાંચ સત્રથી અપર સર્કિટ લાગી રહી છે.
છેલ્લા પાંચ દિવસમાં પિકેડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ (Piccadily Agro Industries)ના શેરમાં 26 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારોને પણ બમ્પર રિટર્ન મળ્યું છે. આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં પિકેડિલી એગ્રોએ રોકાણકારોને 265 ટકાથી વધુ વળતર આપ્યું છે. 25 પૈસાનો શેરનો ભાવ આજે 994 રુપિયાની સપાટીએ પહોંચ્યો છે.
બેસ્ટ વ્હિસ્કીનો એવોર્ડ મળ્યા પછી લેવાલી
શેરના ભાવમાં ઉછાળા માટે કહેવાય છે કે બેસ્ટ વ્હિસ્કીનો એવોર્ડ મળ્યા પછી પિકેડિલી એગ્રોના શેરમાં જોરદાર લેવાલી નીકળી છે. ગયા વર્ષની માફક આ વર્ષે પણ પિકેડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝને ઈન્દ્રી દિવાલી ક્લેક્ટર એડિશન 2024 માટે વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ્સ 2024 માટે ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. સતત બીજા વર્ષે એગ્રો ઈન્ડસ્ટ્રીઝને દુનિયાની સૌથી શ્રેષ્ઠ વ્હિસ્કીનો એવોર્ડ મળ્યો છે.
25 પૈસાના શેરે અત્યાર સુધીમાં કેટલું આપ્યું રિટર્ન
અગિયારમી જુલાઈ, 1997ના પિકેડિલી એગ્રોના શેરનો ભાવ ફક્ત 25 પૈસા હતો, જ્યારે જે રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યું હશે તેમને અત્યાર સુધીમાં 3,97,560 ટકાનું રિટર્ન મળ્યું છે. સમજો જે રોકાણકારોએ કંપનીમાં એક લાખ રુપિયાનું રોકાણ કર્યું હશે તેમના શેરની વેલ્યુ લગભગ 40 કરોડ રુપિયા બરાબર થઈ હશે.
વર્ષોવર્ષે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો
કંપનીના છેલ્લા વર્ષની વાત કરીએ તો પિકેડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 332 ટકાનો ઉછાળો આવ્યો છે. બાવન અઠવાડિયામાં શેરનો નીચલો ભાવ 224 રુપિયા હતો, જેમાં સાડા ચાર ગણો ઉછાળો આવ્યો છે. શેરનો ભાવ અત્યાર 994 રુપિયાની આસપાસ છે, જ્યારે પાંચ વર્ષમાં શેરે 13,208 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)