અંબાણી પરિવારના શાહી લગ્ને વધાર્યું સત્તાધારી પક્ષોનું ટેન્શન, જાણો કઈ રીતે?
મુંબઈ: બે દિવસ બાદ યોજાનારા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્નને ધ્યાનમાં લઈને મુંબઈની મોટાભાગની ફાઈવ સ્ટાર હોટેલ ફુલી બુક્ડ છે અને એને કારણે ભાજપ, રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ અને શિવસેના શિંદે જૂથની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

અહીંયા તમારી જાણકારી માટે કે વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન પોતાના મત ન ફૂટી જાય એ માટે ત્રણેય સત્તાધારી પક્ષ દ્વારા પોતાના વિધાનસભ્યોને સુરક્ષિત સ્થળે રાખવા માટે ફાઈવ સ્ટાર હોટેલમાં રૂમ નથી મળી રહ્યા. આ સમસ્યાને ધ્યાનમાં લઈને જ ભાજપ તેમ જ શિંદે જૂથના વિધાન સભ્યો માટે સ્વતંત્ર વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે વિધાન પરિષદની ચૂંટણી છે અને 11 બેઠક માટે 12 ઉમેદવાર ઊભા કરવામાં આવતા હોર્સ ટ્રેડિંગ થવાની પુરેપુરી શક્યતા છે. પૈસા ઓફર કરીને મત ફોડવાની આશંકાને ધ્યાનમાં લેતાની સાથે જ ભાજપ, શિવસેના શિંદે જૂથ, રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ એકદમ એલર્ટ મોડ પર આવી ગયા છે.
ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે વિધાનસભ્યોને સુરક્ષિત સ્થળે રાખવા ખૂબ જ જરૂરી છે. પરંતુ અંબાણી પરિવારના શાહી લગ્ન સમારંભની કારણે એરપોર્ટ તેમ જ બીકેસી સહિત મુંબઈની મોટાભાગની ફાઈવ સ્ટાર હોટેલ બુક થઈ ગઈ છે.
દરમિયાન કોંગ્રેસ દ્વારા આજે એટલે કે ગુરૂવારે વિધાનસભ્યો માટે એક પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમયે વિધાનસભ્યોને મતદાન કઈ રીતે કરવું એ બાબતે માર્ગદર્શન કરવામાં આવશે, એવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે.
