લાખના બાર હજારઃ 324 રુપિયાના શેરનો ભાવ ત્રણ રુપિયે આવી ગયો…
નાણાકીય સંકટમાં મૂકાયેલી કંપનીને ખરીદવા માટે અદાણી સહિત 25 કંપની રેસમાં….
સંકટમાં ફસાયેલી કંપની જયપ્રકાશ એસોસિયેટ્સ લિમિટેડ (જેએએલ) દેવાળિયા સાબિત થઈ છે. કંપનીને બહુ ઝડપથી કોઈ કંપની ટેકઓવર કરશે એટલે ટૂંક સમયમાં કંપનીની માલિકી બદલાઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે જયપ્રકાશ એસોસિયેટ્સને ખરીદવા માટે ગૌતમ અદાણી જૂથ સહિત 25 કંપનીએ રસ બતાવ્યો છે.
નાદારી પ્રક્રિયામાં અદાણીએ દાખવ્યો રસ
જયપ્રકાશ એસોસિયેટ્સને ખરીદવા માટે અદાણી ગ્રુપથી લઈને વેદાંતા સહિત 25 કંપની રેસમાં છે. સૌથી મોટી વાત એ છે કે અદાણી ગ્રુપે નાદારી પ્રક્રિયા મારફત જયપ્રકાશ એસોસિયેટ્સની માલિકી મેળવવા માટે રસ દાખવ્યો હતો. જયપ્રકાશ એસોસિયેટ્સ રાતોરાત મહેલમાંથી જાણે રસ્તા પર આવી ગઈ છે. ભારતના કેટલાક મોટા સમૂહો જેમ કે અદાણી ગ્રુપ, JSW ગ્રુપ, વેલ્સપન, વેદાંત ગ્રુપ, તેમજ ઓબેરોય રિયલ્ટી અને દાલમિયા ભારત સહિત 25 થી વધુ અગ્રણી સંસ્થાઓ, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ કટોકટીગ્રસ્ત કંપનીને ટેકઓવર કરવામાં રસ ધરાવે છે અને તેના માટે ઈન્ટ્રસ્ટેડ લેટર (EOI) સબમિટ કરે તેવી શક્યતા છે.
આ વર્ષે શેરનો ભાવ 80 ટકા તૂટ્યો
કંપનીના સ્ટોકની જાહોજલાલીની વાત કરીએ તો એક તબક્કે સ્ટોકનો ભાવ 324 રુપિયે હતો, જે ઘટીને ત્રણ રુપિયાના તળિયાના મથાળે આવી ગયો છે. બુધવારે શેરના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. પાંચ ટકા ઘટતા સ્ટોકનો ભાવ 3.47 રુપિયાના મથાળે રહ્યો છે, જ્યારે આ શેર વર્ષમાં 80 ટકા તૂટ્યો છે. લાંબા સમયની વાત કરીએ તો સ્ટોકનો ભાવ 99 ટકા તૂટ્યો છે. ચાર જાન્યુઆરી 2008માં શેરનો ભાવ 324 રુપિયા હતો.
જયપ્રકાશ એસોસિયેટ્સ ગ્રુપની વાત કરીએ તો જેએએલ સિમેન્ટ, વીજળી, હોટેલ, કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટના કારોબારમાં છે. એનસીએલટીની અલાહાબાદ બેન્ચ દ્વારા ત્રણ જૂન 2024ના બહાર પાડવામાં આવેલા આદેશ અન્વયે પ્રક્રિયા શરુ કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે અદાણી ગ્રુપે જયપ્રકાશ એસોસિયેટ્સના અધિગ્રહણ કરવા માટે રસ દાખવ્યો છે. જેપી ગ્રુપની મુખ્ય કંપની જેએએલ, સિમેન્ટ, વીજળી, હોટેલ અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છે. બીજી મહત્ત્વની વાત કરીએ તો જયપ્રકાશ એસોસિએટ્સ, જે જયપી ગ્રુપનું મુખ્ય એકમ છે, તેનો વ્યવસાય હોસ્પિટાલિટી અને એન્જિનિયરિંગ અને બાંધકામમાં ફેલાયેલો છે. જોકે, નાણાકીય મુશ્કેલીઓ જૂથને સતાવતી રહે છે.
