ક્યા બાત હૈઃ એ સેટ પર સુનીલ દત્તે નરગીસને બચાવી અને દિલ આપી દીધું…

ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ના સેટ પર લાગેલી આગે કેવી રીતે તેમના જીવનનો નવો અધ્યાય લખ્યો
બોલીવુડમાં કપૂર પરિવારની માફક દત્તા ફેમિલી પણ લોકોમાં જાણીતું છે. કપૂર પરિવાર ફિલ્મી દુનિયા સુધી મર્યાદિત છે, પરંતુ દત્ત પરિવાર તો બોલીવુડની સાથે સાથે રાજકારણમાં વિશેષ જાણીતો છે. બંને પરિવારનું પણ ક્રોસ કનેક્શન છે, જેને કારણે દુનિયામાં પરિવાર જાણીતો બન્યો હતો. ક્રોસ કનેક્શન નહીં, પરંતુ લવ કનેક્શન પણ હતું. રાજ કપૂર અને નરગિસની લવ સ્ટોરી આજે પણ ફિલ્મી રસિયા ભૂલ્યા નથી, પરંતુ વાત નરગીસ અને સુનીલ દત્તના પ્રેમની અને સાહસિક સ્ટોરીની. 1957માં રિલીઝ થયેલી ફિલ્મ મધર ઈન્ડિયામાં બીજ રોપાયા હતા. મધર ઈન્ડિયા ફિલ્મે અનેક એવોર્ડ જીત્યા હતા, પરંતુ આ ફિલ્મની આગે નવો અધ્યાય લખ્યો હતો. લગભગ 68 વર્ષ જૂની તસવીર અત્યારે વાઈરલ થયા પછી લોકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હિન્દી સિનેમાની કલ્ટ ક્લાસિક ફિલ્મે દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં નવો ઈતિહાસ લખ્યો હતો. મધર ઈન્ડિયા એવી ફિલ્મ હતી, જેમાં ઓન સ્ક્રીન મા-દીકરાનો અભિયન કરનારા કલાકારો રિયલ લાઈફમાં પતિ-પત્ની બન્યા હતા. વિગતે વાત કરીએ 1957માં રિલીઝ થયેલી ફિલ્મ મધર ઈન્ડિયાની. મૂવીમાં સુનીલ દત્ત અને નરગીસની જોડી ચર્ચામાં રહી હતી અને કારણ હતું ફિલ્મના સેટ પરની આગ. આગ લાગ્યા પછી બંનેના પ્રેમની સ્ટોરી શરુ થઈ, જે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે.

નરગીસ અને સુનીલ દત્તની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જે 1957ની છે, જ્યારે ફિલ્મ મધર ઈન્ડિયાના સેટ પર આગ લાગી ત્યારે નરગીસ ફસાઈ ગઈ હતી અને પરિવારની પરવાહ કર્યા વિના સુનીલ દત્ત આગમાં કૂદીને નરગીસને બચાવી લીધી હતી, પરંતુ આગમાં સુનીલ દત્ત ગંભીર રીતે દાઝ્યા હતા.

વાઈરલ તસવીરમાં સુનીલ દત્ત બેડ પર સૂતા હતા, જ્યારે તેમના ચહેરા પર પટ્ટીઓ લગાવવામાં આવી હતી. એની સાથે નરગીસ પણ બાજુમાં બેસીને સંભાળ રાખતા જોવા મળ્યા હતા. વાઈરલ તસવીરોમાં બંનેના હાવભાવ પણ જોવા જેવા હતા. કહેવાય છે કે આગના બનાવ પછી બંને એકબીજાના થવાનું નસીબમાં લખ્યું હતું.
એના પછી સુનીલ દત્તે નરગીસના ઘરે આવવા-જવાનું ચાલુ કર્યું હતું. એક વખતે સુનીલ દત્તે કારમાં બેસેલી નરગીસને લગ્ન માટે પ્રપોઝ મૂક્યો હતો, પરંતુ નરગીસ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો. પરંતુ થોડા દિવસો પછી સુનીલ દત્તની બહેન મારફત ખબર પડી હતી કે નરગીસ લગ્ન માટે માની ગઈ હતી. 11 માર્ચ, 1958માં સુનીલ દત્ત અને નરગીસે લગ્ન કર્યા, પરંતુ કમનસીબે કેન્સરને કારણે નરગીસ દત્તનું 1981માં નિધન થયું હતું, પરંતુ બંને કલાકારોના ફિલ્મના યોગદાન અને લવસ્ટોરીને કોઈ ભૂલી શકે નહીં.
