Raj Kapoor Special-1: ડાયરેક્ટરને ગુસ્સો આવ્યો અને રાજ કપૂરને થપ્પડ મારી દીધી હતી…
ચૌદમી ડિસેમ્બરના જન્મેલા રાજ કપૂરના જન્મ નિમિત્તે પરિવાર અને ફિલ્મી દુનિયાએ 100 વર્ષની શાનદાર ઉજવણી કરી હતી તો આપણે આર-કે બેનરના દિગ્ગજ કલાકારની જીવનના ઉતાર-ચઢાવની વાત કરીએ. રાજ કપૂરને ફિલ્મી દુનિયાના આવારા અને શ્રી 420 ફિલ્મના કારણે તેમને ગ્રેટ કોમેડિયન ચાર્લી ચેપ્લિનની કોપી કહેવાતા. ગ્રેટ શો મેનનો દરજ્જો મળ્યા પહેલા નાની ઉંમરે ઉમદા અભિનેતાની છાપ ફિલ્મી દુનિયામાં છોડી હતી. ફિલ્મ અભિનેતા હોવાની સાથે નિર્દેશન, ફિલ્મોના નિર્માણની સાથે પટકાથા, સંપાદન, ગીત, સંગીતમાં વિશેષ રસ ધરાવતા હતા, તેથી તેમની ફિલ્મો છવાઈ જતી. આજે તેમની પુણ્યતિથિ છે તો ચાલો જાણીએ તેમની જિંદગીના રસપ્રદ કિસ્સા.
રાજ કપૂરનો જન્મ પાકિસ્તાનમાં થયો
રાજ કપૂરનો જન્મ તો પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. 14 ડિસેમ્બર, 1924માં રાજ કપૂરનો જન્મ થયો અને એના છ વર્ષ પછી એટલે 1930માં તેમના પિતા પૃથ્વીરાજ કપૂર થિયેટરમાં કામ કરતા હતા, તેથી મુંબઈ ગયા હતા. મુંબઈમાં સ્થાયી થયા અને નાટકો સાથે ફિલ્મોમાં કામ કરવા લાગ્યા. પિતા પૃથ્વીરાજ કપૂરની માફક રાજ કપૂરને પણ ફિલ્મી દુનિયામાં ઝંપલાવવાનું મન થયું. 1935માં સૌથી પહેલી વખત ઈન્કલાબ ફિલ્મમાં કારકિર્દીની શરુઆત કરી હતી, પરંતુ આ ફિલ્મમાં તો બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.
પિતાજીએ રાજને સ્ટુડિયોમાં સફાઈનું કામ સોંપ્યું હતું
રાજ કપૂરે એક્ટિંગ અને ડાયરેક્શનની સાથે લેખનનો પણ શોખ હતો. એક જમાનામાં રાજ કપૂર પૃથ્વીરાજ કપૂરના સ્ટુડિયોમાં કામ કરતા હતા અને રીતસર પગાર પર રાખ્યા હતા. એક વખત પૃથ્વીરાજ કપૂરે રાજ કપૂરને સ્ટુડિયોમાં સફાઈનું કામ સોંપ્યું હતું. એ કામ કરવામાં રાજ કપૂરને નાનમ અનુભવી નહોતી એટલે એક શ્રેષ્ઠ અભિનેતાએ પોતાનો આગવો રસ્તો બનાવ્યો. રાજ કપૂરની અભિનય પ્રતિભાને કેદાર શર્માએ જાણી અને તેમની ફિલ્મમાં હીરો તરીકે ઓફર કરી હતી. આ ફિલ્મમાં કામ કર્યા પહેલા કેદાર શર્માએ રાજ કપૂરની એક ભૂલને કારણે થપ્પડ મારી દીધી હતી એ કિસ્સાને વાત કરીએ.
કેદાર શર્માને એ વાતનો અફસોસ આજીવન રહ્યો
રાજ કપૂરને પૃથ્વીરાજ કપૂરે કેદાર શર્માના સેટ પર કામ કરવા જણાવ્યું હતું. કેદાર શર્મા સાથે પણ રાજ કપૂરે એક ક્લેપર બોય તરીકે કામ કર્યું હતું. એક વખત ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એ વખતે ભૂલથી રાજ કપૂરનો ચહેરો કેમેરા સામે આવી જાય છે. આ ભૂલને ઠીક કરવા જતી વખતે અભિનેતાની દાઢી ક્લેપબોર્ડમાં ફસાઈ જાય છે અને દાઢી નીકળી જાય છે.
આ દાઢી નીકળી ગયા પછી ડાયરેક્ટર કેદાર શર્મા જોરદાર ગુસ્સે થાય છે અને રાજ કપૂરને બોલાવે છે અને જોરથી થપ્પડ મારી દે છે. જોકે, એ વાતનો કેદાર શર્માને અફસોસ જિંદગી ભર રહી જાય છે, પરંતુ એ કિસ્સો મીડિયામાં છવાઈ જાય છે. આ થપ્પડ પછીનો જે દોર આવે છે એ શોમેન રાજ કપૂરના નામે લખાય છે, જેમાં કેદાર શર્માનું નામ અચૂક લેવાય છે.
નીલકમલમાં અભિનેતા તરીકે કામની નોંધ લેવાઈ
અલબત્ત, રાજ કપૂરે કેદાર શર્માની ફિલ્મ નીલકમલમાં એક અભિનેતા તરીકે કામ કર્યું હતું. નીલકમલમાં તેમની ભૂમિકાની નોંધ લેવાઈ. પોતે કંઈ કરી શકે છે એ આત્મવિશ્વાસે તો 1948માં 24 વર્ષની ઉંમરે પોતાનો સ્ટુડિયો બનાવ્યો. આરકેના બેનર હેઠળ ફિલ્મો બનાવવાનું શરુ કર્યું. રાજ કપૂરના બેનરની ફિલ્મોએ જાદુ કર્યો હતો. તેમની ફિલ્મોમાં સામાન્ય વર્ગની રિયલ સ્ટોરી વણી લેતા. ગરીબ-તવંગરો વચ્ચેનો ભેદ હોય સામાજિક રીત રિવાજો. આરકેના બેનર હેઠળની ફિલ્મો જેમ કે સત્યમ શિવમ સુંદરમ, તીસરી કસમ, ચોરી ચોરી, અનાડી, છલિયા, આવારા, શ્રી 420, મેરા નામ જોકર, બરસાત, જાગતે રહો, રામ તેરી ગંગા મૈલી, પ્રેમ રોગ અને બોબી જેવી ફિલ્મોએ દર્શકો પર જાદુ કર્યો હતો. આવતીકાલે ફિલ્મી દુનિયામાં આરકે બેનર કેમ બન્યું લોકપ્રિય એની વાત કરીએ.
