નેપાળના રાજવી પરિવારના લોકોની હત્યાનો લોહિયાળ ઈતિહાસ જાણો
Gen Zના ઉગ્ર પ્રદર્શનો અને પૂર્વ રાજાની વધતી લોકપ્રિયતા વચ્ચે નેપાળમાં રાજાશાહી પરત ફરશે? જાણો શું છે વર્ષ 2001ના રાજવી નરસંહારની કમકમાટીભરી ઘટના…

ભારતનો વધુ એક પડોશી દેશ ભડકે બળી રહ્યો છે. Gen Z ઉગ્ર પ્રદર્શનને કારણે સત્તાનો પલટો થયો છે. ગોરખાલેન્ડમાં પ્રદર્શનકારીઓએ નેતાઓને નિશાન બનાવ્યા, તેની સાથે સાથે સરકારી વસાહતો, કચેરીઓ, હોટેલ વગેરેને આગ ચાંપી દેવામાં આવી હતી. સ્થાનિક જનતાનું પેટનું પાણી હાલતું નથી, પરંતુ દેશમાં આવેલી વિદેશી પર્યટકોનો જીવ અદ્ધર થઈ ગયા છે. નેપાળના પીએમ, રાષ્ટ્રપતિ, પૂર્વ પ્રધાનોની સાથે વર્તમાન પ્રધાનો દેશ છોડીને ભાગી રહ્યા છે. વિદેશ મંત્રી આરજુ રાણા દેઉબાને પ્રદર્શનકારીઓએ હુમલો કર્યા પછી ગુમ થયા છે. દેશના મહત્ત્વના શહેરોના બજારથી લઈ અન્ય વિસ્તારોને આગને હવાલે કરવામાં આવ્યા છે, પરંતુ સરકારી વસાહતોને જે પ્રકારે નુકસાન કરવામાં આવ્યું છે એની રકમ અગણિત છે.
છેલ્લા 17 વર્ષમાં 14 વખત સરકાર બદલાઈ
નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વિક્રમ શાહે દેશને નવા સંરક્ષક માનવામાં આવી રહ્યા છે. નેપાળમાં રાજશાહી માટે લાંબા સમયગાળાથી આંદોલન ચાલી રહ્યા છે. આ પ્રદર્શન પછી રાજાશાહી વ્યવસ્થા ફરી સ્થાપિત થવાની માગ થઈ રહી છે. કુદરતી સૌદર્ય અને બૌદ્ધના વારસાવાળા દેશમાં હિંસા અને પ્રદર્શનની પણ વાત નવી નથી. છેલ્લા 17 વર્ષમાં 14 વખત સરકાર બદલાઈ છે અને હિંસાએ જોર પકડ્યું હતું. 24 વર્ષ પહેલા પણ નેપાળ ભડકે બળ્યું હતું. નેપાળના રાજમહેલમાં જે થયું હતું કે એનાથી દુનિયા પણ ચોંકી ગઈ હતી. રાજપરિવારમાં નરસંહારથી નેપાળનું રાજકારણ બદલાઈ ગયું હતું.
નારાયણહિતી પેલેસ નરસંહારનો સાક્ષી છે
પહેલી જૂન, 2001ના નેપાળના શાહી મહેલ નારાયણહિતી પેલેસ ભયાનક નરસંહારનો સાક્ષી હતો. નેપાળની શાન હતો, પરંતુ લોહીથી લથપથ ખરાડાયો હતો. પ્રેમના બદલામાં નેપાળના પ્રિન્સ દીપેન્દ્રએ પૂરા રાજવી પરિવારને મોતને ઘાટ ઉતારીને નેપાળમાં રાજાશાહીનો અંત લાવ્યો હતો, જે મહેલ 250 વર્ષ સુધી દેશના રાજવી પરિવારનો શાન હતો, જે મહેલની બહાર રાજા જ્ઞાનેન્દ્રને કાઢી નાખવામાં આવ્યો હતો, જે મહેલને 1963માં રાજા મહેન્દ્રના આદેશ પર બનાવ્યો હતો. 3,83,850 વર્ગ મીટરમાં ફેલાયેલા નેપાળના શાહી મહેલ દુનિયા માટે એક અજાયબી છે. મહેલમાં બાવન રુમ અને દરેક રુમના અલગ અલગ નામ હતા. બાવન જિલ્લાના નામ પરના મહેલના નામ રાખવામાં આવ્યા હતા. મહેલના મુખ્ય દરવાજાનું નામ નેપાળના પહાડો પરથી રાખવામાં આવ્યું છે. મહેલનું નામ પણ ભગવાન વિષ્ણુ સંબંધિત હતું.
રોયલ ક્રાઉન 730 હીરા અને 2000થી વધુ મોતી જડેલો છે
મહેલમાં સોનાનો રથ હતો, જે રાજા મહેન્દ્રને બ્રિટિશ મહારાણી એલિઝાબેથે ભેટમાં આપ્યો હતો. 1961માં જ્યારે બ્રિટનના મહારાણી પહેલી વખત નેપાળમાં આવ્યા ત્યારે સોનાનો રથ ભેટમાં આપ્યો હતો, જ્યારે આ રથનો પહેલી વખત ઉપયોગ રાજા બિરેન્દ્ર શાહના રાજ્યાભિષેક વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોયલ ક્રાઉન નેપાળના રાજાની તાકાત અને યુનિટીનું પ્રતીક છે. આ ક્રાઉનમાં 730 હીરા જડેલા છે, જ્યારે એના સિવાય 2000થી વધુ મોતી પણ જડેલા છે. એના સિવાય સોના-ચાંદીનું નક્શીકામ પણ કર્યું છે.
રાજવી પરિવારના લોકોની હત્યા પછી નેપાળમાં અસ્થિરતા ઘર કરી ગઈ
નેપાળનો નારાયણહિતી મહેલ તેની ભવ્યતા માટે જેટલો જાણીતો હતો, એટલો જ એની કમનસીબી માટે પણ. જૂન, 2001માં નેપાળી શાહી નરસંહાર પણ આ જ મહેલમાં થયો હતો, જ્યારે ક્રાઉન પ્રિન્સ દીપેન્દ્રએ રાજા બિરેન્દ્ર, રાણી ઐશ્વર્યા અને શાહી પરિવારના નવવ સભ્યોને ગોળી મારીને હત્યા કરી હતી. રાજા, રાણી, ભાઈ બહેન સહિત નવ લોકોની હત્યા પછી રાજકુમાર દીપેન્દ્રએ પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. ત્રણ દિવસ સુધી કોમામાં રહ્યો હતો, જ્યાં તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને નેપાળના રાજા જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, એના મોત પછી તેના કઝીન ભાઈ જ્ઞાનેન્દ્રને રાજા બનાવ્યો હતો. 54 કલાક માટે નેપાળના રાજા બનેલા પોતાના પિતાની હત્યાના આરોપી દીપેન્દ્રના મોત પછી વિરેન્દ્રના નાના ભાઈ જ્ઞાનેન્દ્ર નેપાળના રાજા બન્યા, પરંતુ એના પછી નેપાળની રાજાશાહી સ્થિર થઈ નહીં અને 2008માં નેપાળ લોકશાહીના હવાલે થયું અને નેપાળના રાજપરિવારનો નારાયણહિતી પેલેસને મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું હતું.
2001ના નરસંહારથી સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો
પહેલી જૂન, 2001ની રાતના શાહી ડિનર વખતે કોઈ સુરક્ષાકર્મચારી નહોતા કે કોઈ સ્ટાફ. રાજા વિરેન્દ્ર, રાણી ઐશ્વર્યા સહિત રાજા પરિવારના સભ્યો હતો. ક્રાઉન પ્રિન્સ દીપેન્દ્રએ ફુલ દારુ પીધો હતો અને ડિનર ટેબલ પર પણ નશામાં ચકચૂર હતા અને પોતાના રુમમાં ગયા. દીપેન્દ્ર જતા રહ્યા, પરંતુ આર્મીના ડ્રેસમાં બહાર આવ્યા અને એના હાથમાં હતી એમપી5કે સબમશીન ગન, એમ16 રાઈફલ્સ અને એક પિસ્તોલ. દીપેન્દ્રએ કહ્યા વિના સમજ્યા વિચાર્યા અંધાંધૂધ ગોળીબાર કર્યો. રાજા બિરેન્દ્ર, રાણી ઐશ્વર્યા, ભાઈ નિરંજન, બહેન શ્રુતિ સહિત રાજવી પરિવારના નવ લોકોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. આ નરસંહારથી નેપાળ જ નહીં, સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. રસ્તાઓ લાખો લોકો માથે મુંડન કરીને નીકળી પડ્યા હતા, પરંતુ રક્તરંજિત રાજવી પરિવારના નરસંહારે ફરી રક્તરંજિત ઈતિહાસ તાજો કરી દીધો.
