ઔરંગઝેબની કબરના વિવાદ વચ્ચે નાગપુરમાં તણાવ, બે જૂથ વચ્ચે અથડામણ, સરકારે શાંતિ રાખવાની કરી અપીલ
નાગપુરઃ ઔરંગઝેબની કબરને હટાવવા મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ તંગ છે ત્યારે હવે આ મુદ્દે બંને સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ વધ્યું છે. નાગપુરમાં બે સમુદાયના જૂથ વચ્ચે સોમવારે રાતે અથડામણ થઈ હતી, જેમાં આગજની સાથે તોડફોડના બનાવ બન્યા હતા. પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ જાળવવાના પ્રયાસ વચ્ચે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. કાયદો અને પ્રશાસનની સ્થિતિ હાથમાં લેનારા હિંસક લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ નાગપુરવાસીઓને શાંતિ રાખવાની અપીલ કરી હતી. અસરગ્રસ્ત મહલ વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું છે.
પોલીસના જવાન ઘાયલ, ટિયર ગેસ છોડવામાં આવ્યા
મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે ઓરંગઝેબની કબર હટાવવાની માગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા બે જૂથની વચ્ચે વિવાદ વકર્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડે કહ્યું હતું કે ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી, જેમાં બે જેસીબીનો સમાવેશ થયો હતો. આ બનાવમાં એક ફાયરમેન ઘાયલ થયો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી.
ઈ-રિક્ષાને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું
પોલીસની સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ અમુક વાહનોની તોડફોડ કરી હતી. રસ્તા પરની ઈ-રિક્ષા અને ઓટોને પાછળ રાખીને રસ્તો જામ કરવાની કોશિશ કરી હતી. રસ્તા પરના ટૂ-વ્હિલરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સૌથી વધુ ઈ-રિક્ષાને નુકસાન પહોંચ્યું છે. તોડફોડ અને આગચંપીના બનાવ પછી કાયદો અને વ્યવસ્થાની પહોંચી વળવા માટે વિશેષ પોલીસ ફોર્સને રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિત અન્ય ટોચના અધિકારી દ્વારા સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કર્યાં હતા.
પરિસ્થિત નિયંત્રણમાં, હુમલાખોરો સામે કાર્યવાહીઃ સીપી
નાગપુર પોલીસ કમિશનર (સીપી) ડો. રવિન્દ્ર સિંઘલે કહ્યું કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એક તસવીર બાળવા અંગે લોકો એકત્ર થઈ ગયા હતા. એના સંબંધમાં કાર્યવાહી પણ કરી છે. સોમવારે રાતના આઠ વાગ્યાની આસપાસ બનાવ બન્યો હતો. આગ લગાવેલા વાહનોની તપાસ કરી છે, જ્યારે સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારાની તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં 20-25 લોકોની અટક કરી છે, જ્યારે 144 ધારા લાગુ પાડી છે અને બિનજરુરી લોકોને ઘરની બહાર નહીં નીકળવા તેમ જ કાયદો હાથમાં નહીં લેવાની અપીલ કરી છે. અફવા પર વિશ્વાસ નહીં કરવા અને શહેરમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે.
