ધારાવીમાં ધમાલઃ મસ્જિદનો ગેરકાયદે હિસ્સો તોડવા પાલિકાની કાર્યવાહી, વિરોધને કારણે તંગદિલી
મુંબઈઃ ધારાવી સ્થિત મસ્જિદના કથિત ગેરકાયદે હિસ્સાને તોડવા માટે પાલિકાના અધિકારીઓને રોકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ પાલિકાના અધિકારીઓને રોકીને વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અમુક લોકોએ પાલિકાની ટ્રકનો કાચ પણ તોડ્યો હતો. સેંકડો લોકો રસ્તા પર બેસી જઈને પાલિકાનો સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રશાસન દ્વારા જરુરી ફોર્સને તહેનાત કરવાની વચ્ચે પણ સમગ્ર વિસ્તારમાં તંગ પરિસ્થિતિ ઊભી થઈ છે.
આ બનાવના અલગ અલગ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. ઘટનાસ્થળે સેંકડો લોકો રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા, જ્યારે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસના જવાનો પણ હાજર રહ્યા હતા, જ્યારે અમુક લોકોએ ગાળાગાળી-ધક્કામુક્કીના બનાવને કારણે લોકોની અવરજવર પર પણ અસર જોવા મળી હતી.
દરમિયાન વિરોધ પ્રદર્શન કરનારા લોકોને પણ પોલીસના જવાનો દ્વારા સમજાવવાની સાથે અવરજવર કરનારા લોકોને કોઈ મુશ્કેલી પડે નહીં એની પણ અપીલ કરી હતી. અમુક લોકોએ પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. દરમિયાન મુસ્લિમ સમુદાયના આગેવાનોએ પણ લોકોને સમજાવ્યા પછી લોકો બાજુમાં બેસી ગયા હતા, જેથી ટ્રાફિક જામ થાય નહીં.
શું છે સમગ્ર મામલો?
ધારાવી સ્થિત મસ્જિદનું નામ મહબૂબ સુબહાનિ છે. મસ્જિદ લગભગ 60 વર્ષ જૂની છે. મસ્જિદને બે વર્ષ પહેલા નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેના અંગે કોઈ નિકાલ આવ્યો નથી. મસ્જિદ જ્યારે નવી બનાવી ત્યારે ગ્રાઉન્ડ પ્લસ બે માળની હતી. આ મસ્જિદમાં વરસાદનું પાણી ઘૂસી જાય છે અને એને કારણે મસ્જિદનું મરમ્મતનું કામ કરતા હતા. અહીંના વિસ્તારમાં જનસંખ્યાના વધારા પછી નમાઝ પઢનારાની સંખ્યામાં વધારો થવાને કારણે એક માળ વધારવામાં આવ્યો હતો. ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું હતું અને હવે મસ્જિદ પૂરી રીતે તૈયાર કરવામાં આવી છે.
ધારાવીમાં મસ્જિદના અમુક હિસ્સાને તોડવા મુદ્દે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યા બાદ તેની રાજકીય પ્રતિક્રિયાઓ આવી હતી. કોંગ્રેસે પણ સરકારને મધ્યસ્થી કરવાનો અનુરોદ કર્યો હતો.