મારા જ ઘરમાં પરેશાનીઃ રડતા રડતા તનુશ્રી દત્તાએ મદદ માટે અપીલ કરી, વીડિયો વાઈરલ
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને મી-ટૂ મૂવમેન્ટ વિવાદમાં રહેનારી તનુશ્રી દત્તા ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક ફરિયાદને લઈ ચર્ચામાં આવી છે. તનુશ્રી દત્તાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખળભળાટ મચાવ્યો છે. તનુશ્રી દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. રડતા રડતા અભિનેત્રીએ મદદ માટે પોકાર કરી છે. આંખોમાંથી આંસુ વહેતા કહે છે કે મને મારા જ ઘરમાં પરેશાન કરવામાં આવે છે, તેથી મારે પોલીસની મદદ માગવી પડે છે અને એમ કહેતા રડી રહી હતી.
મને હેરાન કરવામાં આવે છે
કેમેરા સામે રડતા મદદની અપીલ કરી હતી. તેને કહ્યું કે મારા પોતાના જ ઘરમાં મારું શોષણ કરવામાં આવી રહ્યું છે. હેરાનપરેશાન થઈને પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો પોલીસ આવી અને મને પોલીસ સ્ટેશનમાં આવીને પ્રોપર ફરિયાદ કરવા માટે કહ્યું. આવતીકાલે હું ફરિયાદ નોંધાવી લઉ પણ હું અત્યારે ઠીક નથી. મને છેલ્લા ચાર પાંચ દિવસથી એટલી હેરાન કરવામાં આવી રહી છે કે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. હું કોઈ કામ કરી શક્તી નથી. મારું ઘર પૂરું વિખરાયેલું પડ્યું છે. હું ઘરે નોકર પણ રાખી શકતી નથી, કારણ કે એ લોકોએ નોકરોને પણ પ્લાન્ટ કરી રાખ્યા છે.
નોકરો પર ચોરી કરી જાય છે ઘરની વસ્તુ
આગળ તેને કહ્યું કે મને નોકરો સાથે કડવા અનુભવો થયા છે. ઘરે આવીને સામાન ચોરી કરી લેતા અને મારે મારું પોતાનું કામ પોતે કરવું પડતું હતું. લોકો મારા ઘરના દરવાજાની બહાર આવે છે અને મને પરેશાન કરે છે. પોતે વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે હું મારી જિંદગીથી પરેશાન થઈ ગઈ છું. અહીં એ જણાવવાનું કે તનુશ્રી દત્તાએ મી-ટૂ મૂવમેન્ટથી પરેશાન થઈ ગઈ છું. આજે હેરાન થઈને પોલીસને ફોન કર્યો, બહુ મોડું થઈ જાય એ પહેલા કોઈ મારી મદદ કરો. આ પોસ્ટ લખવાની સાથે તેને મી-ટૂની હેશટેગનો ઉપયોગ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી યૂઝરે પણ પ્રતિક્રિયા આપી હતી. અમુક લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી તો અમુક લોકોએ સુરક્ષા મુદ્દે ગંભીર ચિંતા પણ વ્યક્ત કરી છે. અમુક યૂઝરે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી, જેને ફેક પણ ગણાવી હતી.
2018માં મી-ટૂ મૂવમેન્ટમાં જોડાઈને આરોપો મૂક્યા
2018માં તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર 2008માં હોર્ન ઓકે પ્લીઝના શૂટિંગ વખતે તેની સાથે યૌન ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો. તનુશ્રીએ 2018માં ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નાના પાટેકરની સામે ફરિયાદ પણ નોંધાવી હતી. આ જ વર્ષે માર્ચ મહિનામાં મુંબઈની અંધેરી કોર્ટે નાના પાટેકરની સામે તનુશ્રી દત્તા દ્વારા 2018માં મૂકવામાં આવેલા મી-ટૂ આરોપો અંગે સંજ્ઞાન લેવાનો ઈનકાર કર્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે તનુશ્રી દત્તાની અરજીને ફગાવી હતી, કારણ કે તેના આરોપો સાબિત કરવા માટે કોઈ પુરાવા નહોતા.
કોણ છે તનુશ્રી દત્તા
હવે સવાલ થયો હશે કે કોણ છે તનુશ્રી દત્તા તો મૂળ જમશેદપુરની છે, જ્યારે 2004માં ફેમિના મિસ ઈન્ડિયા પણ બની હતી. 2004માં મિસ યુનિવર્સમાં પણ ભાગ લીધો હતો. ઈકવાડોરમાં યોજાયેલી કોમ્પિટિશનમાં છઠ્ઠા રનર અપ તરીકે આવી હતી. 2005થી 2010 વચ્ચે તનુશ્રી દત્તાએ આશિક બનાયા આપને, ભાગમ ભાગમ અને ઢોલમાં કામ કર્યુ હતું. એના પછી નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ પણ મૂક્યો હતો. તનુશ્રી દત્તા સ્ટ્રેસમાં રહ્યા પછી દોઢ વર્ષ આશ્રમમાં રહી હતી. લદ્દાખમાં પણ બુદ્ધના મઠમાં મેડિટેશન વિપશ્યના પણ કરી હતી.
