હેપ્પી બર્થડે સ્વામી વિવેકાનંદઃ નરેન્દ્રથી વિવેકાનંદ સુધીની પ્રેરણાદાયી સફર અને અજાણ્યા કિસ્સા

સ્વામી વિવેકાનંદ એક સંત યા દાર્શનિક જ નહોતા, પરંતુ એમના વિચારોના જ્વાળામુખી સમાન હતા. ભારતના યુવાનોમાં આત્મવિશ્વાસ, આત્મગૌરવ અને આત્મનિર્ભરતાના પાઠ આજથી સૈકાઓ પહેલા આપ્યા હતા. 12 જાન્યુઆરી, 1863માં જન્મેલા વિવેકાનંદ નાની ઉંમરમાં પરંપરાગત વિચારો અને સમાજના જૂના-પુરાણા વિચારોથી દૂર દેશને એક નવો રાહ ચિંધ્યો હતો. સામાન્ય રીતે વિવેકાનંદનું શિકાગોનું ભાષણ, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને વેદાંત દર્શન અંગે જાણીએ છીએ, પરંતુ એમની જિંદગીના અનેક કિસ્સા હજુ આજેય અજાણ્યા છે, જે રોચક અને પ્રેરક છે. ચાલો જાણીએ એવા પ્રેરણાદાયક કિસ્સા જે આજે પણ તમને સાચું માર્ગદર્શન આપશે.
રામકૃષ્ણ પરમહંસનો જવાબ દિશાસૂચક રહ્યો
સ્વામી વિવેકાનંદ નાનપણથી તર્કબદ્ધ દલીલ કરનારા અને નીડર હતા. નાના હતા ત્યારે સાધુસંતો અને મહાત્માને પણ સવાલો કરતા કે તમે ભગવાનને જોયા છે. મોટાભાગના લોકો ગોળગોળ જવાબો આપતા, જેનાથી તેમને અસંતોષ રહેતો. આ જ સવાલ જ્યારે રામકૃષ્ણ પરમહંસને પૂછવામાં આવ્યો ત્યારે તેમને કહ્યું હા. રામકૃષ્ણ પરમહંસનો જવાબ હતો જેમ હું તને જોઉ છું એ જ રીતે મેં તેમને જોયા છે. આ જવાબ વિવેકાનંદના જીવનમાં જીવનની દિશા બદલનારો સાબિત થયો. વાસ્તવમાં સવાલ પૂછવાથી ડર ગાયબ થાય અને જિજ્ઞાસાનો જન્મ થાય છે.
સંગીતકાર બનવા જતા સંન્યાસીના રસ્તે ચાલ્યા
બહુ ઓછા લોકો જાણતા હશે કે નરેન્દ્ર નાથ એક કુશળ ગાયક હતા. નરેન્દ્ર નાથે શાસ્ત્રીય સંગીત અને બંગાળી ભજનોમાં રસ ધરાવતા હતા. તેઓ રામકૃષ્ણ પરમહંસના ભજનો ખાસ ગાતા હતા. એક વખત તેમને કોઈએ કહ્યું હતું કે તમે ગાયક બની શકો છો, ત્યારે હસીને જવાબ આપ્યો હતો જો સંગીત આત્માને ભગવાનથી જોડે છે તો એ જ મારું સંગીત છે. આજ વિચારોથી પ્રેરાઈને તેમણે સંન્યાસ અને સેવાના માર્ગે આગળ વધ્યા.
માતાજી પાસે માંગ્યું મને વિવેક અને વૈરાગ્ય આપો
નરેન્દ્ર જ્યારે કોલેજમાં હતા ત્યારે પિતાનું અચાનક નિધન થયું. પરિવાર પર આર્થિક નાણાકીય સંકટ આવ્યું. અનેક દિવસો સુધી ઘરમાં ખાવાપીવાનું અનાજ નહોતું. એક દિવસે નોકરીની શોધમાં શહેરમાં ફર્યા પરંતુ સફળતા મળી નહીં. હારી-થાકીને રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચ્યા. ગુરુજીએ કહ્યું કાલીમાતા પાસે માંગીને જો. નરેન્દ્રએ અનેક વખત મંદિર ગયા, પરંતુ દરેક વખતે પોતાના માટે કંઈ માંગી શક્યા નહીં. મંદિરમાં જતી વખતે નરેન્દ્ર ફક્ત કહેતા માતાજી મને વિવેક અને વૈરાગ્ય આપો. મૂળ પ્રેરણા એ હતી કે સાચું બલિદાન વ્યક્તિ દુખમાંથી બહાર આવવાનો હતો.
સંન્યાસ પછી નામ બદલવામાં આવ્યું
વૈરાગ્ય અને સંન્યાસના માર્ગે નીકળી પડ્યા પછી નામ બદલવાનું નક્કી કર્યું હતું. સંન્યાસ લીધા પછી નરેન્દ્રનાથનું નામ વિવેકાનંદ પડ્યું. વિવેક એટલે સાચી દિશામાં આગળ વધવાની શક્તિ અને આનંદ એટલે આત્મિક સુખ. આ નામ તેમના જીવનના ઉદ્શનો સાર હતો અને આનંદની શોધ. વાસ્તવમાં નામ નહીં, પરંતુ ઉદ્દેશ વ્યક્તિને મહાન બનાવે છે.
ભારત ભ્રમણ વખતે વ્યથિત થયા
ભારત ભ્રમણ વખતે વિવેકાનંદ જ્યારે એક ગામમાં ભિક્ષા માંગવા ગયા ત્યારે કામચોર સાધુ અહીંથી જાઓ કરીને અપમાન કર્યું. વિવેકાનંદને દુખ થયું, પરંતુ ગુસ્સો આવ્યો નહીં. બહાર નીકળીને જોયું તો દેશની પ્રજા ભૂખી, બીમાર, દારુણ ગરીબી જોઈ વધુ વ્યથિત થયા હતા. વિચાર્યું મારે મોક્ષ નથી જોઈતો આજ વિચારથી નવી દિશા મળી. 1893માં શિકાગોમાં ગયા ત્યારે તેમની પાસે પૈસા નહોતા. તેમના કપડા નહોતા તો લોકોએ તેમની મજાક ઉડાવી, પણ વ્યથિત થયા વિના કહ્યું અપમાનથી ડરશો નહીં તમારા ઉદ્દેશને વળગી રહો.
ફક્ત 39 વર્ષ જીવ્યા અને ભવિષ્યનો પણ પૂર્વાભાસ થયો
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે હું ચાળીસ વર્ષથી વધુ જીવીશ નહીં. 4 જુલાઈ, 1902માં ફક્ત 39 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો હતો. તેમના રુમમાં ધ્યાનની અવસ્થામાં તેમનું નિધન થયું હતું. યુવાનોને સૌથી મોટો સંદેશ આપ્યો હતો કે ઉઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત થાય નહીં, ત્યાં સુધી અટકશો નહીં. તેમણે કહ્યું હતું કે યુવાનો જ રાષ્ટ્રનો આત્મા છે, તેથી ભારત સરકારે 12 જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવા દિવસ જાહેર કર્યો હતો.
