અરવિંદ કેજરીવાલને ઝટકોઃ બીજી જૂને સરેન્ડર કરવાનો કોર્ટનો આદેશ
નવી દિલ્હીઃ લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આજે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી નહીં. આમ આદમી પાર્ટીના ફાઉન્ડર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લીકર કેસમાં જામીન આપવામાં આવ્યા પછી ફરી જામીન એક્સટેન્ડ કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે, જ્યારે બીજી જૂનના સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ વચગાળાના જામીનને વિસ્તારવા માટે કેજરીવાલને અરજીને લિસ્ટિંગ કરવાનો ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ જણાવ્યું કે આ અરજી સુનાવણી કરવા યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને બીજી જૂનના સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલે નિયમિત જામીન અથવા અન્ય રાહત માટે નીચલી કોર્ટમાં જવાની મંજૂરી આપી હતી.
આ અાગઉ સુપ્રીમ કોર્ટની એક બેચે મંગળવારે જામીન વધારવાની અરજીની સુનાવણી માટે ઈનકાર કર્યો હતો. બેન્ચે કહ્યું હતું કે કેજરીવાલની અરજીને લિસ્ટિંગ માટે ચીફ જસ્ટિસ પાસે મોકલવામાં આવી હતી. કેજરીવાલે આરોગ્યના આધારે પોતાની જામીન અરજીને સાત દિવસ વધારવાની માગણી કરી હતી અને તેની જામીન અરજી પહેલી જૂને પૂરી થશે.
દસમી મેના સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ જામીન ચૂંટણીના પ્રચાર માટે મંજૂરી આપી હતી. કેજરીવાલની 21મી માર્ચના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા લીકર કેસ સહિત અન્ય બાબતમાં ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ જેકે મહેશ્વરી અને કેવી વિશ્વનાથનની બેંચે કેજરીવાલની અરજીની તાત્કાલિક સુનાવણી માટે ઈન્કાર કર્યો હતો. આ અરજીમાં મુખ્ય પ્રધાન વતીથી ઉપસ્થિત એડવોકેટ જનરલ મનુ સિંઘવીએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અમુક મેડિકલ પરીક્ષણ કરવા માટે વધુ સમય માગ્યો હતો.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે માર્ચ મહિનામાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવ્યા પછી તિહાર જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જેલમાં અનેક દિવસો વીતાવ્યા હતા, ત્યારબાદ જેલમાં પણ વિવાદો ઊભા થયા હતા. જેલમાં તબિયત લથડવાના અહેવાલ પછી જેલ પ્રશાસન દ્વારા ઈન્સ્યુલીન પણ ઉપલબ્ધ નહીં કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, જેલના અધિકારીઓ અને ડોક્ટરની ટીમ દ્વારા આ દાવાઓની ફગાવી દેવામાં આવ્યા હતા.