રવિવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે રહ્યો ‘ઐતિહાસિક’ જાણો કઈ રીતે?
અંડર 19 T20 વર્લ્ડ કપ જીતીને મહિલાઓએ રચ્યો નવો ઇતિહાસ
મુંબઈઃ રવિવારનો દિવસ મુંબઈ, ટીમ ઈન્ડિયા અને ક્રિકેટ જગત માટે ઐતિહાસિક રહ્યો. મુંબઈના વાનખેડે ખાતે ભારતી અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટવેન્ટી-20 મેચમાં અંગ્રેજોને ભારતીય ટીમ શાનદાર રીતે હરાવ્યું. આ જ મેચ પૂર્વ બ્રિટનના પૂર્વ વડા પ્રધાન અને ભારત મૂળના ઋષિ સુનક મુંબઈની મુલાકાતે છે ત્યારે તેમણે મુંબઈમાં ક્રિકેટ રમીને ચર્ચામાં આવ્યા હતા. અને છેલ્લી ત્રીજી વાત અંડર નાઈન્ટીન વર્લ્ડ કપ મહિલાઓએ દક્ષિણ આફ્રિકાની હરાવીને વર્લ્ડ કપમાં જીત્યું. વાસ્તવમાં રવિવારના દિવસે મહિલાઓએ ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીત્યો, જ્યારે અંગ્રેજોને ભારતીય ટીમે હરાવ્યું હતું.
આઠ ખેલાડીએ ભારતને બનાવ્યું ચેમ્પિયન
રવિવારે અંડર 19 ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીતાડવા માટે એક-બે નહીં, પરંતુ આખી ટીમમાં આઠ ખેલાડીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેમાંય વળી ગોંગડી તૃષાએ ક્રિકેટપ્રેમીઓનું દિલ જીતી લીધું હતું. કુઆલાલમ્પુરમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટે હરાવ્યું હતું. આફ્રિકાના 83 રનનો ટાર્ગેટને ભારતે 12મી ઓવરમાં જીતી લીધો હતો, જેમાં હૈદરાબાદની ગોંગડી તૃષાએ સૌથી વધુ રન બનાવવાની સાથે ત્રણ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ જી કમાલિની, વૈષ્ણવી શર્મા, આયુષી શુક્લા, સાનિકા ચાલક, પારુણિકા સિસોદિયા, વીજે જોશિતા, શબનક શકીલનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. મહિલાઓની જીત સાથે ભારતીય ટીમ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓની ટીમને અભિનંદન આપ્યા હતા.
વાનખેડેમાં અભિષેક શર્માની આંધી, 150 રને ભારત જીત્યું
વાનખેડે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટવેન્ટી-20 મેચ પૈકી છેલ્લી મેચ સૂર્ય કુમાર યાદવની કેપ્ટનશિપમાં રમાઈ અને શાનદાર રીતે જીત્યા. પાંચ મેચની સિરીઝ 4-1થી જીતીને ટીમ ઈન્ડિયાએ અંગ્રેજોનું નાક કાપી દીધું. છેલ્લી મેચ વાનખેડેમાં રમાઈ હતી, જેમાં નવોદિત અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરીને સેન્ચુરી ફટકારી (7 ચોગ્ગા, 13 સિક્સરની મદદથી 54 બોલમાં 135 રન) અને અંગ્રેજોની ટીમ 100 રનની અંદર ઓલઆઉટ થતા ભારતીય ટીમે 150 રનથી જીત મેળવી હતી. પહેલી બેટિંગમાં આવેલી ભારતીય ટીમે 248 રન કર્યા પણ મહોમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપવાની સાથે વરુણ ચક્રવર્તી, શિવમ દૂબે અને અભિષેકે બબ્બે-બબ્બે અને રવિ બિશ્નોઈએ એક વિકેટ લેતા અંગ્રેજ ટીમ 97 રનમાં ઓલઆઉટ થઈ હતી.
બ્રિટનના પૂર્વ પીએમ ઋષિ સુનક મુંબઈમાં ક્રિકેટ રમ્યા
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે દક્ષિણ મુંબઈમાં પારસી જીમખાનાની મુલાકાત લીધી હતી. એ વખતે તેમણે ટેનિસ બોલથી ક્રિકેટ રમવાની તક ઝડપી લીધી હતી. બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ રમતી તસવીરો શેર કરી હતી. દરમિયાન સાંજે તેમણે મુંબઈમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્ય કુમાર યાદવ સહિત ટીમની મુલાકાત સુનકે લીધી હતી. ઋષિ સુનક સ્ટેડિયમમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી સહિત અન્ય ખેલાડીઓ સાથે મેચ નિહાળતા જોવા મળ્યા હતા. અહીં એ વાત નોંધવી પડે કે વડા પ્રધાન પદે રહી ચૂકેલા ઋષિ સુનક ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સાથે લોકો સાથે હળીમળીને રહેવામાં તેમનો જોટો જડે એમ નથી.