No Detention Policy: પાંચમા-આઠમા ધોરણના વિદ્યાર્થીને પ્રમોશન નહીં મળે, પહેલો અમલ ગુજરાત રાજ્ય કરશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે પાંચ અને આઠમા ધોરણના વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષના અંતની પરીક્ષામાં નાપાસ થયા પછી તેમને પ્રમોશન આપીને બીજા વર્ગમાં જવા દેવાની પોલિસી પર રોક લગાવ્યો છે. હવે નવા વર્ષથી આ વર્ગના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવશે નહીં. આ પ્રથા રદ્દ કર્યા પછી ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારની નીતિનું પાલન ચુસ્તપણે કરવાની જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અન્વયે આ નિર્ણયના અમલીકરણથી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો તેમ જ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાની તક મળે એવો ઉદ્દેશ છે. આ મુદ્દે ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ધોરણ ૫ અને ધોરણ આઠમાં કોઇ વિદ્યાર્થી બે વિષયમાં ૩૫ ટકા ક૨તા ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારીના કારણે શૈક્ષણિક વર્ષ-૨૦૧૯-૨૦, વર્ષ- ૨૦૨૦-૨૧ અને વર્ષ – ૨૦૨૧-૨૨ માં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને ‘માસ પ્રમોશન’ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આમ છતાં ચાલુ શૈક્ષણિક વર્ષ – ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ-૫ અને ધો૨ણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થશે તો તેમણે નાપાસ જાહેર કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
ધોરણ પાંચ અને આઠમા ધોરણની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ નાપાસ થશે. આ ઉપરાંત, સાથોસાથ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ આ વર્ષથી ચાલુ થઈ ગયો છે.