અમેરિકન ફેડરલ રિઝર્વે રેટ કટ કરતા ભારતીય શેરબજારમાં મોટો કડાકો
મુંબઈઃ ફેડરલ બેંકે રેટ કટ કર્યા પછી પણ હજુ પડકારો હોવાના અહેવાલ વચ્ચે વૈશ્વિક માર્કેટમાં ઉથલપાથલને લઈ ભારતીય સ્ટોકમાર્કેટમાં હજાર પોઈન્ટથી વધુનો કડાકો બોલાયો હતો. અમેરિકન માર્કેટમાં મોટો કડાકો બોલાવવાની વચ્ચે અમેરિકન ફેડરલ બેંક મોડી રાતના ફેડ રેટ કટ કરવાની જાહેરાત કરી હતી. ફેડરલ બેંક 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો અને હજુ ઘટાડો કરવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું, જેને કારણે માર્કેટનો ટોન ખરાબ થઈ ગયો અને યુએસ માર્કેટમાં મોટું ધોવાણ થયું હતું.
ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં 1,100 પોઈન્ટનો કડાકો
અમેરિકન ફેડરલ રિઝર્વની ભારતીય શેરબજાર પર અસર જોવા મળી હતી, જેમાં મુંબઈ શેરબજારનો ઈન્ડેક્સ 1,100 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સમાં પ્રારંભમાં 400 પોઈન્ટનું ધોવાણ થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો.
સેન્સેક્સમાં 28, નિફ્ટીમાં 47 શેર ગબડ્યાં
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં ટોચના 30 શેરમાં ફક્ત બે શેરને છોડીને બાકી તમામ સ્ટોકમાં ધોવાણ જોવા મળ્યું હતું, જ્યારે સૌથી વધુ ઈન્ફોસીસમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 પૈકી 47 શેરમાં તૂટ્યા હતા, જ્યારે બાકી ત્રણ શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં ટાટા કન્ઝ્યુમર અને ડોક્ટર રેડ્ડી શેરમાં તેજી જોવા મળી હતી.
ઈન્ફોસીસમાં સૌથી મોટો કડાકો
એશિયન પેઈન્ટસના શેરમાં બે ટકાનું ધોવાણ થયું હતું, જ્યારે ઈન્ફોસીસમાં ત્રણ ટકા, ટીસીએસ, એચસીએલ, મહિન્દ્રા, એચડીએફસી બેંકના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, સ્મોલ અને મિડ કેપના શેરમાં વેચવાલી નીકળી હતી, જેમાં ત્રિવેણી ટર્બાઈન, ફાઈવ સ્ટાર બિઝનેસ, સોનાટા સોફ્ટવેર, ભારતીય હેક્સાકોમ, નાયકા, કોચિન શિપયાર્ડના શેરમાં ત્રણ ટકા સુધીના કડાકો બોલાયો હતો.
ઈન્ટ્રા ડેમાં ચાર લાખ કરોડનું ધોવાણ
મુંબઈ સ્ટોક એક્સચેન્જના માર્કેટ કેપિટલાઈઝેશન 452 કરોડનું હતું, જ્યારે ઘટાડાને કારણે ઈન્ટ્રા ડેમાં ઘટીને 448 કરોડ રુપિયા થયું હતું. ઈન્ટ્રા ડેમાં રોકાણકારોના ચાર લાખ કરોડ રુપિયાનું ધોવાણ થયું હતું.