શેરબજાર ઐતિહાસિક ઊંચી સપાટીએ, સેન્સેક્સ-નિફ્ટીની વિક્રમી આગેકૂચ
મુંબઈઃ છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં જોરદાર લેવાલી જોવા મળતા માર્કેટના બંને મોટા બેન્ચમાર્કમાં વિક્રમી આગેકૂચ જોવા મળી છે. સેન્સેક્સે આજે પહેલી વખત 79,000 પોઈન્ટની ઐતિહાસિક સપાટી પાર કરી હતી, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ પણ 24,000 પોઈન્ટની સપાટી નજીક રહ્યો હતો.
ઈલેક્શનના પરિણામો પછી માર્કેટમાં વધઘટ થઈ હતી. જોકે, એના પછી માર્કેટમાં નોંધાયેલા કડાકા માટે કોંગ્રેસ પાર્ટીએ પણ સરકાર પર પ્રહારો કર્યા હતા, ત્યાર બાદ માર્કેટમાં સતત ધીમી ધીમે આગેકૂચ રહી છે. 30 શેરના બેન્ચમાર્ક સેન્સેક્સમાં આજે ઓપનિંગમાં નરમાઈ જોવા મળી હતી. સવાસો પોઈન્ટના ઘટાડા પછી ધીમે ધીમે માર્કેટમાં નવી ખરીદી નીકળી હતી, જેથી બંને ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સૌથી મોટા ઉછાળા બાદ 79,000 પોઈન્ટની સપાટી પાર કરીને નવો વિક્રમ રચ્યો. ઉપરાંત, નિફ્ટી બેન્ચમાર્ક પણ 23,974 પોઈન્ટે પહોંચ્યો હતો.
સ્ટોકમાર્કેટમાં બેન્કિંગ ઈન્ડેક્સમાં સતત બીજે દિવસે જોરદાર લેવાલી રહી હતી. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 53,180 પોઈન્ટે રહ્યો છે, જ્યારે બેકિંગ શેરમાં એકતરફી લેવાલી રહી છે. બીએસઈનું માર્કેટ કેપ 437.80 લાખ કરોડને પાર થયું છે. ઉપરાંત, માર્કેટ ખૂલ્યા પછી સિમેન્ટ શેરમાં જોરદાર ખરીદારી નીકળી હતી. અલ્ટ્રાટેક સિમેન્ટે ઈન્ડિયા સિમેન્ટનો હિસ્સો 23 ટકા ખરીદવાની ડીલને મંજૂરી મળી હતી, તેનાથી એકલા ઈન્ડિયા સિમેન્ટમાં 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, એચએસીએલ ટેકનોલોજી, મારુતિ, ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને નેસ્લેમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો.
મુંબઈ શેરબજાર ખૂલ્યા પછી બીએસઈના 3296 શેરના ટ્રેડિંગમાંથી 2060 શેરના ભાવમાં વધારો થયો હતો, જ્યારે 1,122 શેરમાં ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, 114 સ્ટોકમાં કોઈ હિલચાલ જોવા મળી નહોતી.
વૈશ્વિક માર્કેટ પૈકી એશિયાઈ માર્કેટમાં ગાબડા પડ્યા હતા, જેમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી, હોંગકોંગના હેંગસેંગ અને ચીનના શાંઘાઈ કોમ્પોઝિટ માર્કેટમાં રેડ ઝોનમાં રહ્યો હતા. એશિયાઈ માર્કેટમાં ઘટાડાને પગલે ભારતીય સ્ટોકમાર્કેટમાં શરુઆત નરમાઈ હતી.