22 વર્ષ પછી સ્ટીવ બકનરે સચિનને ખોટો આઉટ આપ્યાની કેમ કરી કબૂલાત?

ક્રિકેટ ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ નિર્ણયોમાંથી એક પરથી આખરે ૨૨ વર્ષ બાદ પડદો ઊંચકાયો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ખોટો આઉટ આપનાર વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ અમ્પાયર સ્ટીવ બકનરે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. આ સમાચારથી કરોડો ભારતીય ચાહકોની વર્ષો જૂની કડવી યાદો તાજી થઈ ગઈ છે.
બ્રિસ્બેન ટેસ્ટની એ વિવાદાસ્પદ ક્ષણ
હકીકતમાં, આ ઘટના વર્ષ ૨૦૦૩-૦૪માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બ્રિસ્બેન ટેસ્ટમાં બની હતી. તે સમયે સચિન પોતાની કારકિર્દીના શિખર પર હતા. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીનો બોલ સચિનના પેડ પર વાગ્યો, જેના પછી જોરદાર અપીલ થઈ. અનુભવી અમ્પાયર બકનરે આંગળી ઊંચી કરીને સચિનને LBW આઉટ જાહેર કર્યા.
આ એક ભૂલની અસર મેચના પરિણામ પર પડી હતી. સચિન તેંડુલકર માત્ર ૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા, જ્યારે રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ સ્ટમ્પની ઉપરથી જઈ રહ્યો હતો. કોમેન્ટેટર ટોની ગ્રેગે લાઈવ કોમેન્ટ્રીમાં તેને ‘ભયાનક નિર્ણય’ ગણાવ્યો હતો. એ નિર્ણયે ભારતીય ચાહકોને હચમચાવી દીધા હતા.
22 વર્ષ બાદ બકનરની કબૂલાત
હવે ૭૯ વર્ષીય બકનરે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ અમ્પાયર્સ એસોસિએશનને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે તે તેમની ભૂલ હતી. તેમણે કહ્યું કે સચિન તેંડુલકરને LBW આપવો એ તેમની મોટી ચૂક હતી. આજે પણ લોકો એ નિર્ણય વિશે વાત કરે છે. જીવનમાં ભૂલો થતી હોય છે અને તેમણે સ્વીકારી લીધું છે કે તે એક ભૂલ હતી. આ નિવેદન એ ભારતીય ચાહકો માટે મોટી ક્ષણ છે, જેઓ વર્ષોથી તે નિર્ણયને ક્રિકેટની મોટી ખામી માનતા રહ્યા છે.
માત્ર એક વાર નહીં, અનેક વખત વિવાદ
આ પહેલીવાર નહોતું જ્યારે બકનરનો નિર્ણય સચિન સામે ચર્ચામાં રહ્યો હોય. બે વર્ષ પછી ભારત-પાકિસ્તાન મેચમાં અબ્દુલ રઝાકનો બોલ સચિનના બેટને અડ્યા વગર નીકળી ગયો હતો, પરંતુ નબળી અપીલ છતાં બકનરે તેમને આઉટ આપી દીધા હતા.
સચિને પણ ગયા વર્ષે એક ‘આસ્ક મી એનીથિંગ’ (Ask Me Anything) સેશનમાં રમુજી અંદાજમાં આ ઘટનાને યાદ કરી હતી. જ્યારે તેમને બકનરના એ નિર્ણય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હસતા હસતા કહ્યું હતું કે, “જ્યારે હું બેટિંગ કરતો હોઉં, ત્યારે તેમને (બકનરને) બોક્સિંગ ગ્લવ્સ પહેરાવી દેવા જોઈતા હતા, જેથી તેઓ આંગળી ન ઉઠાવી શકે. 22 વર્ષ પછી આવેલી આ કબૂલાત ક્રિકેટ ઈતિહાસના એ જખમ પર મલમ જેવી છે, પરંતુ તે એ પણ યાદ અપાવે છે કે ટેકનોલોજીના આગમન પહેલા અમ્પાયરના એક નિર્ણયની અસર કેટલી મોટી રહેતી હતી.
