મહારાષ્ટ્રના ‘રાજકારણ’માં ખલબલીઃ પવાર પરિવારની એક થવાની અટકળો
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના માતાજી આશાતાઈ પવારે બુધવારે પંઢરપુર જઈને ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા હતા અને ફરી પરિવાર એક થાય એની માનતા રાખી હતી. અજિત પવારના માતાએ કહ્યું હતું કે ભગવાન વિઠ્ઠલ મારી અરજ સાંભળશે અને ફરી શરદ પવાર અને અજિત પવાર એકસાથે આવશે.
નરહરિ ઝિરવાલે પણ આપ્યું નિવેદન
તત્કાલીન મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારના પતન પછી શિવસેના અને એનસીપીનું વિભાજન થયું હતું. નવી સરકારના ગઠન પછી એનસીપીમાંથી અજિત પવારે ભાજપના નેતૃત્વ હેઠળની એકનાથ શિંદેની સરકારમાં ભળી ગયા હતા, ત્યારથી એનસીપીનું વિભાજન થયું હતું. અજિત પવારની માતાના નિવેદન સાથે એનસીપીના વરિષ્ઠ નેતાઓ પણ એક થવાની માગણી કરી રહ્યા છે. એનસીપીના વરિષ્ઠ નેતા નરહરિ ઝિરવાલે કહ્યું હતું કે અજિત પવારની માતાએ કાકા-ભત્રીજા સાથે થાય એની પ્રાર્થના કરી છે અને અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે બંને એક થાય. હું તો એક-બે દિવસમાં શરદ પવારને મળીશ અને અજિતદાદા સાથે પાર્ટીનું મર્જર કરવાની ભલામણ કરીશ, એમ તેમણે જણાવ્યું હતું.
અમારા માટે શરદ પવાર છે ભગવાન
અજિત પવારની એનસીપીના સાંસદ અને વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે અમારા માટે તો આજે પણ શરદ પવાર ભગવાન છે. હનુમાનના માફક છાતી બતાવું તો શરદ પવાર જોવા મળશે. શરદ પવાર અમારી વાત માનશે અને બંને સાથે આવશે. પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે શરદ પવાર અમારા માટે ભગવાન રહ્યા છે. આજે ભલે રાજકીય રસ્તા અલગ છે, પણ તેમના માટે અમને સન્માન છે અને ભવિષ્યમાં પણ રહેશે. બંને સાથે આવશે તો અમને પણ ખુશી થશે.
શરદ પવાર જૂથના નેતાએ કરી સ્પષ્ટતા
એનસીપીના સ્થાપક શરદ પવાર જૂથના પ્રવક્તા મહેશ તાપસેએ કહ્યું હતું કે હાલમાં મર્જર થવાની વાત કહેવાની ઉતાવળી વાત ગણાશે. શરદ પવાર આગામી અઠવાડિયા દરમિયાન એનસીપી શરદ પવાર જૂથે બેઠક બોલીવી છે. આ બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. હાલમાં અમારી પાર્ટી સાથે મર્જરની કોઈ વાત નથી. હવે અમારી પાર્ટીની બેઠક આઠમી-નવમી જાન્યુઆરીના યોજવામાં આવશે.
