સન્ડે સ્પેશ્યિલઃ સાઉથના મેગાસ્ટારનું નામ કઈ રીતે પડ્યું ચિરંજીવી, બજરંગબલી સાથે છે કનેક્શન?
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સથી સન્માનિત ચિરંજીવી એક જમાનામાં અમિતાભ બચ્ચન કરતાં વધુ ફી લેતા

દક્ષિણ ભારતીય ફિલ્મ હોય કે હિંદી સિનેમા, પરંતુ એક એવા અભિનેતા હતા, જેને દર્શકોને થિયેટર સુધી આવવા મજબૂર કર્યા હતા. એવા અભિનેતા છે, જેમને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ ફિલ્મ કલાકાર તરીકે સન્માનિત કર્યા હતા. સાઉથના સુપરસ્ટારે ફિલ્મોમાં પોતાનો નામનો ડંકો વગાડ્યો હતો, પરંતુ રાજકીય ક્ષેત્રે સફળતા મળી નહોતી. વાત કરીએ એવા સુપરસ્ટારની કે બોલીવુડના બિગ બી કરતા પણ વધારે ફી લઈને ઈન્ડસ્ટ્રીમાં જોરદાર નામના ઊભી કરી હતી અને એ મેગાસ્ટાર ચિરંજીવી છે. યસ બે દિવસ પહેલા જન્મદિવસની ઉજવણી કરનારા સાઉથના મેગાસ્ટારનું નામ ચિરંજીવી કઈ રીતે પડ્યું અને રાજકારણ સાથે શું કનેક્શન ધરાવે છે એની વાત કરીએ.
1976માં ફિલ્મી કારકિર્દી બનાવવા મદ્રાસ ગયા
22 ઓગસ્ટ 1955માં આંધ્ર પ્રદેશના વેસ્ટ ગોદાવરી જિલ્લાના મોગથલપુર ખાતે જન્મેલા કોણિદે (ચિરંજીવી)ના પિતા કોનિડેલા વેંકટરાવ એક કોન્સ્ટેબલ હતા. મેગાસ્ટાર ચિરંજીવીનું સાચું નામ કોણિદે શિવ શંકર વર પ્રસાદ છે. માતાએ તેમનું નામ ચિરંજીવી રાખ્યું હતું. ફિલ્મી કારકિર્દીની શરુઆત વખતે માતાએ ચિરંજીવી નામ આપ્યું, કારણ કે તેમનો પરિવાર હનુમાનજી (અંજનેય પણ કહેવાતા)ની પૂજા કરતો હતો. ઈન્ટરમિડિયેટ આંધ્રમાં કર્યા પછી 1976માં અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મદ્રાસ (આજના ચેન્નઈ) ગયા હતા અને પછી પાછળ વળીને જોયું નહીં.

2006માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા
સાઉથના આ સુપરસ્ટાર અંગે તેમના ચાહકોને નહીં ખબર હોય એવી વાત છે કે ચિરંજીવીએ વર્ષોથી હિંદી, તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 1978માં પુનાધિરલ્લુથી એક કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દી શરુઆત કરી હતી. મેગાસ્ટાર ચિરંજીવીએ રઘુપતિ વેંકૈયા પુરસ્કાર, જે આંધ્ર પ્રદેશનું સૌથી મોટું ફિલ્મ સન્માન પણ મળ્યું હતું. પુરસ્કારની વાત કરીએ તો ત્રણ નંદી એવોર્ડ, નવ ફિલ્મફેર એવોર્ડ અને સાઉથનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. 2006માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડાન્સના મૂવ્સને કારણે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી સન્માનિત કર્યા
લોકપ્રિયતાની વાત કરીએ તો કોડામા સિમ્હમ (1990)માં અંગ્રેજી ભાષામાં ડબ થનારી પહેલી દક્ષિણ ભારતીય ફિલ્મ હતી. એટલું જ નહીં, ઓસ્કર એવોર્ડના કાર્યક્રમ માટે આમંત્રણ મેળવાનારી પહેલી દક્ષિણ ભારતીય ફિલ્મ હતી. 45 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં 156 ફિલ્મ કરી, જેમાં 537 ગીત કર્યા હતા. 24,000થી વધુ ડાન્સના મૂવ્સને કારણે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી સન્માનિત કર્યા હતા. 70 વર્ષે પણ આજે પણ ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં રાજ કરે છે.
રાજકીય પાર્ટી બનાવી ત્રીજા પક્ષનો વિકલ્પ બન્યા પણ
ફિલ્મ ક્ષેત્રમાં નામ કમાવ્યા પછી રાજકારણમાં ઝંપલાવ્યું હતું, પણ એની સફર બહુ ટૂંકી રહી. નવી પાર્ટી બનાવી અને કેન્દ્રીય પ્રધાન પણ બન્યા. ચિરંજીવીની રાજકીય કારકિર્દીની શરુઆત 26 ઓગસ્ટ 2008ના થઈ. આંધ્ર પ્રદેશમાં પ્રજા રાજ્યમ પાર્ટી બનાવી (પીઆરપી) અને જેનો ઉદ્દેશ સામાજિક ન્યાય અને જનતાની સેવાનો હતો. એ વખતે આંધ્રમાં કોંગ્રેસ અને ટીડીપી સિવાય ત્રીજી પાર્ટીનો વિકલ્પ બની શક્યા હોત.
70 વર્ષના સુપરસ્ટારે 165 ફિલ્મો કરીને ભારતમાં ડંકો વગાડ્યો
2009માં આંધ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લીધો, જેમાં બે સીટ પરથી જીત્યા પણ પક્ષનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નહીં. 294 વિધાનસભાની સીટ પરથી ફક્ત 18 સીટ પર વિજય મળ્યો, જેમાં પાર્ટીને 17 ટકા મત મળ્યા, જ્યારે લોકસભાની ચૂંટણીમાં કોઈ બેઠક પર વિજયી બની શક્યા નહીં. 2011માં પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને એના પછી રાજ્યસભાના સભ્ય પણ બનાવવામાં આવ્યા. 2012માં તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય પર્યટન પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) તરીકેની જવાબદારી સોંપી હતી. જોકે, 2014માં આંધ્ર પ્રદેશના વિભાજન પછી ચિરંજીવીએ ધીમે ધીમે પોતાની જાતને રાજકીય ગતિવિધિઓથી દૂર કરી દીધા હતા. ટૂંકમાં, 70 વર્ષના સુપરસ્ટારે 165 ફિલ્મો કરીને સાઉથમાં જ નહીં, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડંકો વગાડ્યો હતો.
કોનિડેલા પરિવારની કુલ નેટવર્થ 4,000 કરોડ છે
મીડિયાના અહેવાલ અનુસાર ચિરંજીવીએ બેક ટૂ બેક 14 ફિલ્મ સુપરહીટ આપી હતી અને નેવુંના દાયકાના સુપરસ્ટાર બની ગયા હતા અને એક તબક્કે તો અમિતાભ બચ્ચન કરતા પણ વધારે ફી લેતા હોવાનું કહેવાતું હતું. એક જમાનામાં બિગ બી એક કરોડ ફી લેતા હતા, ત્યારે ચિરંજીવી એક ફિલ્મ માટે 1.25 કરોડ ફી લેતા હતા. કૂલ નેટવર્થની વાત કરીએ તો ચિરંજીવીની 1,650 કરોડની નેટવર્થ છે, જ્યારે કોનિડેલા ફેમિલીની કૂલ નેટવર્થ લગભગ 4,000 કરોડ છે.
