…તો મુંબઈથી દિલ્હી સવા કલાકમાં પહોંચી શકાશે: હવે રેલવેએ હાઈપરલૂપની શરુ કરી તૈયારી
નવી દિલ્હીઃ દેશની લાઈફલાઈન રેલવેમાં અત્યારે રાજધાની, દુરંતો ટ્રેન પછી નવી સેમી હાઈ સ્પીડ વંદે ભારતનું આગમન થયું છે. વંદે ભારતની સફળતા વચ્ચે બુલેટ ટ્રેન યા હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાનું સપનું બતાવનાર ભારતીય રેલવે હવે હાઈપર લૂપના ટ્રેક આવી છે. હાઈપર લૂપ ટ્રેનની સીધી સમજ આપીએ તો દિલ્હીથી મુંબઈ વચ્ચેનું 1,400 કિલોમીટરનું અંતર લગભગ સવા કલાકમાં પૂરું કરવાની યોજના છે અને એના અંગે ખુદ રેલવે મંત્રીએ જાહેરાત કરી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે બે વખત એક મિલિયન ડોલર (લગભગ નવ કરોડ)ની ગ્રાન્ટ મળી ચૂકી છે હવે ત્રીજી વખત ફરીથી એક મિલિયન ડોલરની મદદ મળશે. દેશમાં હાઈપરલૂપ ટ્રેક મારફત કલાકના 1,100 કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
ભારતીય રેલવેના સહયોગથી 422 મીટર લાંબા હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેકનું સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. એના અંગેનો વીડિયો રેલવે પ્રધાને એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો. સફળતાપૂર્વક ટેસ્ટ કરવામાં આવ્યા પછી સરકાર હવે 50 કિલોમીટરના કમર્શિયલ હાઈપરલૂપ કોરિડોર બનાવવાની તૈયારી કરી રહ્યું, જે દુનિયાનો સૌથી લાંબો હાઈપરલૂપ ટ્રેક હશે.
નવ કરોડનું ભંડોળ પહેલાથી આપી ચૂક્યા છે. રેલવે મંત્રીએ ક્યું હતું કે આઈઆઈટી મદ્રાસ આ પ્રોજેક્ટ માટે નવ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી, જ્યારે ત્રીજી વખત પણ મદદ આપવામાં આવશે, તેનાથી પ્રસ્તાવિત પ્રોજેક્ટને સારી રીતે ડેવલપ કરવામાં આવશે. હાઈપરલૂપ ટ્રેક પ્રી-કમર્શિયલ મોડલની માફક તૈયાર કરવામાં આવશે તો રેલવે પોતાની સિસ્ટમના પહેલા કમર્શિયલ પ્રોજેક્ટ શરુ કરશે.
આઈઆઈટી મદ્રાસ વતીથી એશિયાની સૌથી પહેલા ગ્લોબલ હાઈપરલૂપ કમ્પિટિશન પૂર્ણાહૂતિના કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે સરકાર સૌથી પહેલા 40-50 કિલોમીટરના કોરિડોરમાં હાઈપરલૂપનું નિર્માણ કરશે. હવે મનમાં સવાલ થાય કે હાઈપરલૂપ શું છે, જે એક હાઈટેક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે, જેમાં ઓછા દબાણવાળી ટ્યુબમાં વધુ સ્પીડથી પોડ્સની મુસાફરી કરવામાં આવશે. આ સિસ્ટમમાં કલાકના 1,200 કિલોમીટરની ઝડપ પ્રાપ્ત કરી શકાશે. જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો બે શહેર વચ્ચેનું અંતર પૂરપાટ ઝડપથી પાર કરી શકાશે.
આ રેલવે અને હવાઈ મુસાફરીની તુલનામાં હાઈપરલૂપ બેસ્ટ વિકલ્પ બની શકે છે, તેમાંય વળી મુંબઈ-દિલ્હીનું અંતર લગભગ દોઢથી બે કલાકમા કાપી શકાય છે. ડિસેમ્બર, 2024માં આઈઆઈટી મદ્રાસે પહેલી વખત સફળતાપૂર્વક ટ્રાયલ કર્યો હતો, જ્યારે આગામી દિવસોમાં વિસ્તૃતપણે હાથ ધરાશે. 1970ના દાયકામાં સ્વિસ પ્રોફેસર માર્સેલ જફરને આ વિચાર આવ્યો હતો, જ્યારે 1992માં સ્વિસમેટ્રો એસએ નામની કંપનીએ પ્રોજેક્ટ માટે બનાવી હતી, પરંતુ 2009માં બંધ કરવામાં આવ્યો હતો.