નવરાત્રીનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને છે સમર્પિતઃ શું કરશો તો માતાજીની થશે કૃપા, જાણો?
આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ. માતા કાત્યાયનીને આજનો સમર્પિત છે. આજના દિવસે માતાજીની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થયા છે તેમ જ વ્યક્તિના રોગ-દોષો પણ દૂર થાય છે. માતા જગદંબાના નવ સ્વરુપ પૈકી છઠ્ઠુ સ્વરુપ કાત્યાયની માતાનું છે. શાસ્ત્રોની માન્યતા અનુસાર કાત્યાયની માતાનું નામ કાત્યાયન ઋષિની પુત્રી હોવાને કારણે નામ કાત્યાયની પડ્યું હતું.
ધાર્મિક માન્યતા અનુસાર આજે છઠ્ઠા દિવસે કાત્યાયની માતાની પૂજા-અર્ચના કરવાનું મહાત્મય છે. કાત્યાયની માતાને મહિષાસુર મર્દિનીના નામથી ઓળખવામાં આવે છે. માતાજીના સ્વરુપની વાત કરીએ તો ચાર હાથ અને સિંહ પરની સવારી છે. એક હાથમાં તલવાર, બીજા હાથમાં કમળના પુષ્પો છે. બીજા બે હાથમાં વરમુદ્રા અને અભયમુદ્રા છે.
કાત્યાયની માતાને પસંદ છે લાલ રંગના વસ્ત્રો
છઠ્ઠા દિવસે માતાજીને પૂજામાં મધનો ભોગ ધરાવો. કાત્યાયની માતાને લાલ રંગ સૌથી વધુ પ્રિય છે, તેથી આજના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવાની સાથે દાનદિ કરવું હોય તો લાગ રંગના વસ્ત્રો સાથે લાલ રંગની કોઈ વસ્તુનું દાન પણ કરી શકો છો. આજના દિવસ દરમિયાન માતાજીના જાપ-મંત્ર માટે ખાસ કરીને ક્લીં શ્રી ત્રિનેત્રાયૈ નમઃ, માતાજીની ભક્તિ માટેનો મંત્ર યા દેવી સર્વભૂતેષુ માં કાત્યાયની રુપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃનો જાપ કરી શકો છો. આ ઉપરાંત, ચંદ્ર હાસ્સોજ્જવલકરા શાર્દુલકરા વાહના, કાત્યાયની શુભંદધા દેવી દાનવધાતિની મંત્રનું રટણ કરી શકો છો.
માતાજીની ભક્તિ કરવાથી અર્થ-કામની પ્રાપ્તિ થશે
માતાજીની પૂજા કર્યા પહેલા સવારે સ્નાન આદિ કર્યા પછી ધૂપ આદિ કરી શકો છો. અગરબતી યા દીવો કરીને માતાજીની પૂજા કરવાનું શરુ કરો. સૌથી પહેલા કળશથી વિવિધવત પૂજા કરો એના પછી દુર્ગા સાથે માતા કાત્યાયનીની પૂજા કરો. માતાજીની પૂજા માટે કંકુ, કુમકુમ, ચોખાનો ઉપયોગ કરી શકો છો. માતાજીને મધ, ફળ અને મીઠાઈનો પણ ભોગ ધરાવી શકો છો. એની સાથે એક પાનમાં બે લવિંગ, એક એલચી, એક સિક્કો રાખીને ભેટ ધરાવો. ત્યાર બાદ માતાજીના પાઠ માટે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. અંતમાં આરતી ઉતારીને પ્રસાદ પણ પરિવારમાં વહેંચો. આજના દિવસે કાત્યાયની માતાની પૂજા કરવાથી ભક્તને અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
