Accident: ભાવનગરમાં લકઝરી બસ ડમ્પરમાં ઘૂસી જતાં છ જણનાં મોત
તળોજાઃ દેશમાં વધી રહેલા રોડ અકસ્માતો અંગે કેન્દ્રીય પ્રધાને ચિંતા સેવી છે ત્યારે ગુજરાતમાં વધુ એક ભીષણ અકસ્માતે પ્રશાસનને હચમચાવી નાખ્યું છે. ભાવનગરના તળોજા ખાતે ડમ્પર અને લકઝરી બસ વચ્ચેના અકસ્માતમાં છ જણનાં મોત થયા છે, જ્યારે પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી છે.
તમામ ભાવનગર જિલ્લાના રહેવાસી
ભાવનગરના તળોજા સ્થિત નેશનલ હાઈવેના ત્રાપજ નજીક અકસ્માત થયો હતો. વહેલી સવારે એક ખાનગી બસ અને રેતી ભરેલા ડમ્પરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પોલીસ પ્રશાસન દ્વારા તુરંત પીડિતોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં માર્યા જનારા મોટા ભાગના લોકો ભાવનગર જિલ્લાના રહેવાસી છે.
પીડિતોને પતરા કાપી બહાર કાઢ્યાં
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક સર્જાયેલા અકસ્માત એટલો ભયાનક હતો બસની એક બાજુનો ભાગ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત પછી બચાવકર્તાઓને બસના પતરા કાપીને બહાર કાઢવાની નોબત આવી હતી. મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બંધ ડમ્પરને બસે ભીષણ ટક્કર મારી
પ્રાથમિક માહિતી અનુસાર આજે વહેલી સવારના છ વાગ્યાના સુમારે ભાવનગરથી તળોજાને જોડતા હાઈવે પર બંધ રેતી ભરેલા ડમ્પરને લક્ઝરી બસે ટક્કર મારી હતી. અકસ્માત વખતે બસમાં સવાર પ્રવાસીઓની ચિચિયારીઓથી ગૂંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે પંદર લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તમાં અમુક જણની હાલત ગંભીર છે, જેથી અકસ્માતમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ પીડિતોની મુલાકાત લીધી
આ અકસ્માત અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સ્થાનિક સાંસદ નીમુબેન બાંભણિયાએ હોસ્પિટલમાં દાખલ લોકોની ખબર લીધી હતી અને ઈજાગ્રસ્ત લોકોને તાકીદે સારવાર પૂરી પાડવા માટે સૂચના આપી હતી. દરમિયાન તેમણે વહીવટી પ્રશાસનને પણ સજાગ રહીને પીડિતોની શક્ય એટલી મદદ કરવાની અપીલ કરી હતી.