10 મિનિટના પ્રવાસ માટે લાગી રહ્યા છે બે કલાક, બે વર્ષ સુધી આવી જ રહેશે હાલાત…
મુંબઈઃ મુંબઈના મહત્ત્વના અને બ્રિટીશકાલીન 112 વર્ષ જૂનો સાયન બ્રિજ જર્જરિત થઈ જતાં પહેલી ઓગસ્ટથી તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બીકેસી, કુર્લા એલબીએસ રોડ, ધારાવી અને સાયનને જોડનારો આ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરતા ટ્રાફિક પર તેની અસર જોવા મળી રહી છે.
મળી રહેલી માહિતી અનુસાર હવે 10ના મિનિટના અંતર માટે વાહનચાલકોને બે-બે કલાકનો સમય લાગી રહ્યો છે. આ બ્રિજનું કામ પૂરું થવા બે વર્ષનો સમય લાગવાનો હોઈ આ વિસ્તારમાં રહેનારા નાગરિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આગામી બે વર્ષ સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની છે.
સાયન બ્રિજ બંધ થવાને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બીકેસીથી ચેમ્બુર સુમનનગર જંક્શન સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ઘાટકોપરથી સાયન, ચુનાભટ્ટી સુધી દરરોજ વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. આ ટ્રાફિક જામને કારણે 10 મિનિટના પ્રવાસ માટે મુંબઈગરાને દોઢથી બે કલાકનો સમય લાગી રહ્યો છે.
સાયન બ્રિજ બંધ કરવામાં આવ્યો હોવાને કારણે આ ભાગના નાગરિકોને પ્રવાસ કરવા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ ઉપનગરથી આવનારા વાહનોને ટી જંક્શન માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે દાદર-માહિમથી આવનારા વાહનોને કુંભારવાડા જંક્શનથી સંત કબીર માર્ગે પ્રવાસ કરવો પડી રહ્યો છે. થાણેથી આવનારા લોકોને ચુનાભટ્ટી માર્ગે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.