સોના કરતાં ચાંદીમાં બમણો ‘ક્રેઝ’! અઠવાડિયામાં ₹ 19,000નો ઉછાળો, જાણો કારણો
આ વર્ષે ચાંદીના ભાવ ₹ 78,000થી વધુ વધ્યા, સોના કરતાં ડબલ સ્પીડે તેજી, વેપારીઓ ચિંતામાં

છેલ્લા મહિના, વર્ષથી સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં આ વર્ષે સોનું 45,000 રુપિયાથી વધુ વધ્યું છે તો ચાંદી તો એનાથી ડબલ મોડમાં વધારો થયો છે. માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ ચાંદીના ભાવ 78,000 રુપિયાથી વધારો થયો છે. માર્કેટના નાના વેપારીઓની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં ચાંદીના ભાવમાં આશરે 13 ટકાનો વધારો થયો છે, જે રફતારને હવે કોણ રોકી શકે છે એ તો વેપારી પણ કહી શકતા નથી, પણ સોના કરતા ચાંદીનો ક્રેઝ લોકોમાં વધ્યો છે કે શું એ હકીકત જાણીએ.
આગામી વર્ષે સોનાના ભાવમાં ઔર વધશે
લગ્ન-પ્રસંગ લેનારા ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોની હાલત અત્યારે સૌથી વધુ ખરાબ છે, જે પાંચદસ તોલા લેવાની પહોંચ ધરાવતા હતા એ હવે એક તોલો લેવા માટે પણ પીછેહઠ કરી શકે છે. સોના કરતા ચાંદીમાં થયેલા વધારાનું સૌને આશ્ચર્ય છે, શા માટે સોના સાથે ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. આગામી વર્ષ સુધીમાં સોનાના ભાવ 5,000 ડોલરની આસપાસ પહોંચવાનો અંદાજ છે. એક્સચેન્જ રેટના હિસાબે 10 ગ્રામ સોનાનો ભાવ 1,55,000 રુપિયાની સપાટીએ પહોંચી શકે છે.
આઠમી ઓક્ટોબરનો સૌથી મોટો ઉછાળો
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (આઈબીજેએ)એ જણાવે છે કે 10 ગ્રામ સોનાના ભાવ અઠવાડિયામાં 4,571 રુપિયા વધ્યા છે, જે 1.21 લાખને પાર થયા છે. ગયા અઠવાડિયા દરમિયાન એટલે ત્રીજી ઓક્ટોબરે 1.16 લાખ રુપિયાનો ભાવ હતો. બીજી બાજુ ચાંદીના ભાવ 1.45 લાખ હતા, જે દસમી ઓક્ટોબરે 12.90 ટકા એટલે 13 ટકા વધીને 1,64,500 રુપિયાએ પહોંચ્યા છે, જેમાં આઠમીના સાત હજાર રુપિયાનો ઉછાળો આવ્યો હતો.
ચાંદીના ભાવમાં વધારા પાછળના કારણ જાણો
સોનાના ભાવમાં ઉછાળા સાથે ચાંદીના ભાવ વધ્યા છે, જેના માટે એક અંદાજ પ્રમાણે ફેસ્ટિવ સિઝન છે. કરવા ચૌથ જેવા તહેવારોને કારણે ચાંદીમાં ડિમાન્ડ વધી છે. રુપિયાની નબળાઈને કારણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી રહી છે, જેથી ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ જેવા ઉદ્યોગોમાં ચાંદીની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે. એકંદરે ઔદ્યોગિક માગમાં વધારો થવાથી ભાવ વધી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ચાંદીના પુરવઠા ઘટાડાને કારણે જોરદાર તેજી આવી છે.
ક્વોન્ટિટીમાં ઘટાડો થયો પણ સોનાની ખરીદી અટકી નથી
ચાંદીના પગલે પગલે સોનાના ભાવમાં વધારો થયો છે. સોનામાં દિવાળી, ધનતેરસના સોનું ખરીદવાનું શુકનિયાળ માનવામાં આવે છે, તેથી બાયિંગ ઈન્ટરેસ્ટ મજબૂત બની રહ્યો છે. તોલા પરથી પણ ગ્રાહકો હવે ગ્રામ પર આવી ગયા છે. એટલે વધતા ભાવને કારણે ક્વોન્ટિટી ઓછી પણ ખરીદવામાં આવે છે. સોનામાં જિયોપોલિટિકલ ટેન્શનને કારણે વધુ ખરીદી વધી છે. મિડલ ઈસ્ટમાં ઉથલપાથલ વચ્ચે ટ્રેડવોર-ટેરિફને કારણે રોકાણકારો સોનું ખરીદી રહ્યા છે. અમેરિકન પોલિસીની અનિશ્ચિતતાને કારણે મુસ્લિમ દેશો પણ ખરીદી માટે આંધળી દોટ મૂકી છે.
