લખપતના પુનરાજપુર ખાણમાં ચુનાના પથ્થરના પુરવઠા માટે GMDC અને JK Cement વચ્ચે કરાર
નવા કરારથી પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ સાથે રોકાણની નવી તકો ઊભી થશે
મુંબઈઃ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલી તેની લખપત પુનરાજપુર ખાણમાંથી 40 વર્ષના સમયગાળામાં 250 મિલિયન ટન ચુનાના પથ્થરના પુરવઠા માટે JK સિમેન્ટ લિમિટેડ સાથે લાંબા ગાળાના પુરવઠા કરાર (LSA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
GMDC લિમિટેડના ચેરમેન ડૉ. હસમુખ અઢિયા, IAS (નિવૃત્ત) દ્વારા આ હસ્તાક્ષરની અધ્યક્ષતા કરવામાં આવી હતી અને GMDC લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહ, IAS અને JK સિમેન્ટ લિમિટેડના ગ્રે સિમેન્ટના બિઝનેસ હેડ અનુજ ખંડેલવાલ દ્વારા સત્તાવાર રીતે આ કરાર ઔપચારિક રીતે રજૂ કરવામાં આવ્યો હતો, જેઓએ તેમની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ગુજરાતની આર્થિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપશે
આ કરાર GMDC લિમિટેડની વિશાળ ચૂનાના પથ્થરની સંપત્તિનું મુદ્રીકરણ કરવા અને આ બંને ભાગીદારોને લાભ પહોંચાડવા માટે એક વ્યૂહાત્મક ભાગીદારી છે. આ JK સિમેન્ટ લિમિટેડને ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ મેગા-કેપેસિટી સિમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં સહાયતા કરશે, જેના લીધે આ પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે. આ સહયોગથી કચ્છમાં વધુ રોકાણને પ્રોત્સાહન મળશે, આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ વધશે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો રોજગારીની તકો પણ મળશે, અને તે ગુજરાતની સામાજિક-આર્થિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપશે.
સરકારને આવક પ્રાપ્ત કરવામાં મદદ થશે
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો માટે સુગમતા અને ઓછા ખર્ચ સાથે કાર્યક્ષમ લોજિસ્ટિક્સ સાથે કચ્છનો દરિયાકાંઠો એ સિમેન્ટ ઉત્પાદન માટે આદર્શ કેન્દ્ર છે. આ ઉપરાંત, આ પહેલ રોયલ્ટી, નેશનલ મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટ (NMET) યોગદાન, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ભંડોળ અને ચૂનાના પથ્થર અને સિમેન્ટ ઉત્પાદન બંને પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના રૂપમાં આવક ઊભી કરીને રાજ્યની આવકમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.
ખનિજ સંસાધનોના યોગ્ય ઉપયોગ કરવા વચનબદ્ધ
આ કરાર GMDC લિમિટેડ દ્વારા ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, અને સાથે સાથે ખનિજ સંસાધનોના યોગ્ય ઉપયોગની ખાતરી કરે છે, અને તેના દ્વારા ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક રાજ્ય તરીકે અગ્રણી સ્થાન તરફ અગ્રેસર બની રહ્યું છે.