IPL-2024: શુભમન અને સુદર્શનની શાનદાર સદી, ગુજરાતે 35 રનથી ચેન્નઈને હરાવ્યું
અમદાવાદ: Gujarat Titansના કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની શાનદાર સેંચ્યુરી તેમ જ મોહિત શર્માની કાંડાની કમાલને કારણે GTએ CSKને 35 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ શુભમન ગિલે ટીમને IPL 2024માં પ્લેઓફમાં લઈ જવાની આશાને જીવંત રાખી છે. જ્યારે GTની આ જીતની સાથે જ CSK માટે પ્લેઓફના માર્ગમાં અવરોધો ઉભા થયા છે. હવે વધુ એક હાર CSKને પ્લેઓફની રેસમાંથી બહારનો રસ્તો દેખાડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રમાયેલી 12 મેચમાં CSKની આ છઠ્ઠી હાર છે, પરંતુ તેમ છતાં પોઈન્ટ ટેબલમાં CSK નંબર ફોર પર છે.
શુક્રવારે અમદાવાદ ખાતે રમાયેલી CSK Vs GTની આ મેચમાં ગુજરાતે પહેલાં બેટિંગ કરીને CSKને 232 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો હતો. ત્યાર બાદ ગુજરાતે પાવરપ્લેમાં 3 વિકેટ લઈને ચેન્નઈને બેકફૂટ પર લાવી દીધું અને આ મુશ્કેલીમાંથી ટીમ બહાર આવી શકી નહીં. CSKએ 20 ઓવરમાં 196 રન બનાવી શકયું હતું અને આમ GTએ 35 રનથી CSKને હરાવ્યું હતું. આ જીત સાથે જ ગુજરાત પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે આઠમા સ્થાને પહોંચી ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સતત 3 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલા ગુજરાત માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી જરૂરી હતી. આ આશા સાથે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડીએ આવતાની સાથે જ આક્રમક ગેમ દેખાડીને ક્રિકેટપ્રેમીઓને આશ્વર્યચકિત કરી દીધા હતા.
સુદર્શને 32 બોલમાં 50 તો શુભમને 25 બોલમાં હાફ સેંચ્યુરી ફટકારી હતી.જોકે ત્યાર બાદ પણ આ બંનેએ પોતાની ગેમ આગળ વધારીને રનનો ખડકલો કરી દીધો હતો અને આખરે 17મી ઓવરમાં શુભમન અને સુદર્શને પોતાની સેંચયુરી પૂરી કરી હતી. શુભમન ગિલે 50 બોલમાં સેંચ્યુરી ફટકારી હતી. જે આ સિઝનમાં તેની પ્રથમ અને આઈપીએલમાં તેની ચોથી સેંચ્યુરી છે.
એટલું જ નહીં પણ આઈપીએલના ઈતિહાસમાં આ 100મી સદી પણ હતી. સુદર્શને પણ આ જ ઓવરમાં પોતાની પહેલી સદી પૂરી કરી હતી. 22 વર્ષના યુવા બેટ્સમેને પણ માત્ર 50 બોલમાં સદી ફટકારી હતી. બંને વચ્ચે 104 બોલમાં 210 રનની જબરદસ્ત ભાગીદારી જોવા મળી હતી. જોકે, આ બંનેને 18મી ઓવરમાં તુષાર દેશપાંડેએ શિકાર બનાવ્યા હતા અને અહીંથી CSKએ વાપસી કરી હતી.
છેલ્લી 3 ઓવરમાં ચેન્નાઈના બોલરોએ માત્ર એક ફોર આપી અને માત્ર 22 રન આપ્યા અને 2 વિકેટ લીધી. તેમ છતાં ગુજરાત 231 રન સુધી પહોંચી શક્યું હતું. શાર્દુલ ઠાકુરને કોઈ વિકેટ મળી ન હતી પરંતુ તેણે 4 ઓવરમાં માત્ર 25 રન જ આપ્યા હતા.
આટલા મોટા સ્કોરના જવાબમાં ચેન્નઈને ઝડપી શરૂઆતની જરૂર હતી પરંતુ એવું થયું નહીં અને પહેલી 3 ઓવરમાં માત્ર 10 રન બનાવીને CSKએ 3 વિકેટ ગુમાવી દીધી હતી. પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરેલો રચિન રવિન્દ્ર પહેલી જ ઓવરમાં રનઆઉટ થયો હતો અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેનું પ્રદર્શન પણ ખાસ કંઈ સારું નહોતું રહ્યું હતું, જ્યારે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ આ વખતે ખાતું પણ ખોલી શક્યો નહોતો.
આ બંનેની વિકેટ સંદીપ વોરિયર અને ઉમેશ યાદવે લીધી હતી. ત્યાર બાદ ડેરીલ મિશેલ અને મોઈન અલીએ જબરદસ્ત ગેમ દેખાડી હતી પરંતુ તેઓ પણ ટીમને જીત અપાવી શક્યા નહોતા.