‘શુભારંભ’: 1.39 કરોડ કિલોમીટરની અંતરિક્ષ યાત્રા કરીને આવેલા શુક્લાના મિશનથી શું થશે ફાયદો?
ભારતના અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનમાંથી સકુશળ પરત ફર્યા, જેના અંગે ભારત સહિત દુનિયાના અંતરિક્ષયાત્રીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતના બીજા નંબર અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા કુશળતાપૂર્વક પરત ફર્યા પછી પરિવારની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી હતી. અઢાર દિવસ ઈન્ટરને શનલ સ્પેસ સ્ટેશનમાં રહેનારા શુભાંશુ શુક્લા બપોરના ત્રણ વાગ્યે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. એક કરોડ 39 લાખ કિલોમીટરની સફળ મુસાફરી કરીને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ ઈતિહાસ રચ્યો છે. ચાલો એના કૂલ ખર્ચ સાથે સમગ્ર મિશનનું મહત્ત્વ જાણીએ.
એક બાળકને પ્રેરણા મળશે તો હું સફળ રહ્યો
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ શુભાંશુ શુક્લાન મુસાફરી માટે 550 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે, જે સફળ રહ્યું છે. શુભાંશુ શુક્લાના અંતરિક્ષનો અનુભવ ગગનયાન મિશન માટે મદદરુપ બનશે. સ્પેસ સ્ટેશનમાંથી પરત ફર્યા પછી શુભાંશુએ કહ્યું હતું કે હું આ મિશન મારફત દેશના બાળકોને પ્રેરણા આપવા ઈચ્છું છું અને હું જો એક બાળકને પણ પ્રેરિત કરીશ તો હું સમજીશ હું સફળ રહ્યો છો.

કેપ્સુલમાંથી બહાર નીકળીને સૌનું અભિવાદન કર્યું
અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા પૃથ્વી પર સફળતાપૂર્વક પરત ફર્યો છે અને મિશન પણ સફળ રહ્યું છે. મિશનને લઈ તેના પરિવારની સાથે લાખો બાળકોમાં સ્પેસમાંથી સુરક્ષિત પરત ફરે એવી અપેક્ષા હતી અને જેઓ શુક્લા સુરક્ષિત કેપ્સુલમાંથી બહાર આવ્યો ત્યારે તેના માતાપિતાની સાથે ઈસરો સાથે દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પૃથ્વી પર પરત ફરેલા શુભાંશુ શુક્લાના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. કેપ્સુલમાંથી બહાર નીકળીને શુક્લાએ હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું હતું. એને સ્પ્લેશડાઉન કહે છે. પેરાશૂટની મદદથી ડ્રેગન સ્પેસક્રાફ્ટ કેલિફોર્નિયાના દરિયાકિનારા ઉતરાણ કર્યું હતું અને પૃથ્વી પર પરત ફર્યા પછી ડ્રેગન સ્પેસક્રાફ્ટને પાણીમાંથી કાઢવામાં આવ્યું હતું.

ચાર અતંરિક્ષયાત્રી 26મી જૂનના સ્પેસ સ્ટેશન ગયા હતા
શુભાંશુ શુક્લાનું સ્પેસક્રાફ્ટ ડ્રેગન પૃથ્વી પર કલાકના 28,000 કિલોમીટરની સ્પીડથી આવ્યું હતું, જ્યારે એ પૃથ્વી પર આવી રહ્યું હતું ત્યારે તેની ધીમે ધીમે સ્પીડ ઓછી કરવામાં આવી હતી. કેપ્સુલની સપાટી હીટ શીલ્ડ 2,000 ડિગ્રીનું તાપમાન સહન કરવાની ક્ષમતા હતી. શુભાંશુ શુક્લાએ 1.39 કરોડથી વધુ કિલોમીટરની મુસાફરી કરી છે, જે એક ઈતિહાસ છે. શુભાંશુ શુક્લા સહિત ચારેય અંતરિક્ષયાત્રીએ એક દિવસ પૂર્વ 4.45 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવવા રવાના થયા હતા. આ તમામ લોકો ભારતીય સમય પ્રમાણે 26 જૂનના બપોરના 4.01 વાગ્યાના સુમારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ સાથે સંકળાયેલા ડ્રેગન કેપ્સુલમાં તેમણે કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. શુભાંશુ શુક્લાની આ સફલતામાં ઈસરોની મહત્ત્વની ભૂમિકા છે, જેને તેના પાછળ 550 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે.

1984માં રાકેશ શર્મા સૌપ્રથમ ભારતીય અંતરિક્ષયાત્રી હતા
શુભાંશુ શુક્લા પૂર્વે સૌથી પહેલા યાત્રા કરનાર પ્રથમ ભારતીય અંતરિક્ષયાત્રી રાકેશ શર્મા હતા. 1984માં રાકેશ શર્માએ સ્પેસમાં આઠ દિવસ રોકાયા હતા. શુભાંશુ શુક્લા સ્પેસમાંથી સફળતાપૂર્વક પ્રયોગો કરીને પરત ફર્યા છે ત્યારે ભારતીય વૈજ્ઞાનિકોની અપેક્ષા અને સપનાઓને સાકાર કરવામાં મદદ મળશે. ઈસરાનો વૈજ્ઞાનિક વિલિયમ સેલ્વમૂર્તિ (પૂર્વ ડીજી ડીઆરડીઓ) અને ખગોળશાસ્ત્રના વૈજ્ઞાનિક અમિતાભે કહ્યું હતું કે શુભાંશુ શુક્લાના મિશનનો વિશેષ ફાયદો મળશે.

લખનઉની સ્કૂલમાં પરિવારે વિદ્યાર્થીઓએ એ પળને જોઈ
લખનઉની જે સ્કૂલમાંથી શુભાંશુ શુક્લાએ શિક્ષણ મેળવ્યું છે એ સિટી મોન્ટેસરી સ્કૂલમાં પરિવાર અને વિદ્યાર્થીઓએ ઐતિહાસિક પળને જોઈ હતી, જેમાં સફળ લેન્ડિંગથી લઈને કેપ્સુલમાંથી બહાર આવતી પળોને જોઈને માતાપિતા ભાવુક થઈ ગયા હતા. શુભાંશુ શુક્લાની આ મુસાફરીએ બે રેકોર્ડ બનાવ્યા, જેમાં એક તો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)નો પ્રવાસ કરનાર પહેલો ભારતીય હતો, જ્યારે રાકેશ શર્મા પછી અંતરિક્ષમાં પગ મૂકનારા બીજો ભારતીય હતો, જે સપનું 41 વર્ષે સાકાર થયું. અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના આ મિશનથી ભવિષ્યમાં ફાયદો થશે, પરંતુ ભવિષ્યમાં અવકાશયાન સંબંધિત મિશન માટે શુભાંશુનો અનુભવ કામ આવશે. ચંદ્રયાનની સફળતા પછી ભારતે વૈશ્વિકસ્તરે અવકાશી મિશન માટે પણ મહત્ત્વની રહેશે.
એક યાત્રા નથી, પણ સપનાઓની સિદ્ધિ છે
ઉપરાંત, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શુભાંશુ શુક્લાએ ભારતના ગગનયાન માનવ અંતરિક્ષ ઉડાન મિશનને આગળ વધારવામાં મદદ માટે સાત પરીક્ષણ કર્યા છે, જેમાં માંસપેશીઓને નુકસાનને ડીકોડ કરવા, મસ્તિષ્ક-કમ્પ્યુટર ઈન્ટરફેસ વિકસિત કરવા અને અંતરિક્ષમાં ચણા અને મેથીના બીજે અંકુરિત કરવાના પ્રયોગનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં, શુભાંશુ શુક્લાનું આ મિશન ફક્ત અંતરિક્ષ યાત્રા નથી, પરંતુ ભારતની આંકાક્ષાઓ, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને આત્મવિશ્વાસની સ્ટોરી છે, જે ભારતને વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવામાં પણ મદદ કરશે.
