July 1, 2025
ગુજરાત

શ્રવણ તીર્થ દર્શન યોજના: ગુજરાતમાં ૧.૫ લાખ કરતા વધુ સિનિયર સિટિઝને લાભ લીધો, શું ફાયદો થાય છે?

Spread the love

ગાંધીનગર: ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકાર દ્વારા પહેલી મે, ૨૦૧૭ના શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ યાત્રાળુએ આ યોજનાનો લાભ લીધો છે, જેના માટે રાજ્ય સરકારે અંદાજે રૂ. 1,128 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો.

2,000 કિલોમીટરની પ્રવાસની મર્યાદા
આ યોજનાનો લાભ ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ એમ ૭૨ કલાક અથવા 2,000 કિ.મી સુધીની પ્રવાસની મર્યાદા છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. ઓછામાં ઓછા ૨૭ યાત્રાળુએ યાત્રા માટે સમૂહમાં અરજી કરવાની રહેશે.

ભાડામાં પણ રાહત
આ ઉપરાંત ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની નોન એ.સી. સુપરબસ, એસ.ટી.ની નોન એ.સી મીની બસ, એસ.ટી.ની નોન એ.સી. સ્લીપર કોચનું ભાડું અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછું હોય તેની ૭૫ ટકા રકમ સરકાર તરફથી સહાય તરીકે મળવાપાત્ર રહેશે, જેમાં ૨૭થી ૩૫ યાત્રાળુ સુધી મીની બસનું તથા ૩૬થી ૫૬ યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ-સુપરબસનું ભાડું મળવાપાત્ર છે.

વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો
વધુમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે એક દિવસના જમવાના રૂ. ૫૦/- અને રહેવાના રૂ. ૫૦/- એમ કુલ રૂ. ૧૦૦/- અને વધુમાં વધુ રૂ. ૩૦૦/-ની મર્યાદામાં ચૂકવવામાં આવશે. યાત્રાળુઓએ યાત્રા પૂર્ણ કર્યાના બે માસમાં આધાર-પૂરાવા રજૂ કરવાના રહેશે. યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ https://yatradham.gujarat.gov.in પરથી મળી રહેશે. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!