શરદ પૂનમને ભગવાન કૃષ્ણથી શું કનેક્શન છે, જાણો રહસ્ય?
આસો મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિના દિવસે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા કે કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે. ધાર્મિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ પૃથ્વીથી વધુ નજીક છે, જ્યારે માતા લક્ષ્મીજી પણ પૃથ્વીના પરિભ્રમણે નીકળે છે, તેથી આજના દિવસે ખાસ કરીને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે.
લક્ષ્મી માતાજીની પૂજાપાઠ કરવાથી પણ ધન-સંપત્તિ સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે. એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ યમુના નદીના કિનારે રાધા-ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા, તેથી આજના દિવસને રાસ પૂર્ણિમાથી પણ ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. શરદ પૂર્ણિમાની રાતમાં ચંદ્રદેવ 16 કલાથી પૂર્ણ હોવાને કારણે ચંદ્રમાં વિશેષ ઊર્જા હોય છે, તેથી આજની રાતના ખીર યા દૂધ પૌંઆ ખાવાનું મહત્ત્વ હોય છે. ખીરને પ્રસાદ તરીકે પણ લેવાય છે.
શરદ પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રમ્યા હતા. જ્યારે રાધા-ગોપીઓ શ્રી કૃષ્ણને મળવા યમુના તટે પહોંચી ત્યારે સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરીને શ્રીકૃષ્ણને સમર્પિત કરે છે. રાસલીલા ફક્ત ભૌતિક પ્રેમની અભિવ્યક્તિ નથી, પરંતુ આધ્યાત્મિક પ્રેમ અને આત્માનું પરમાત્મા સાથે મિલન છે.
ગોપીઓ આત્માનું પ્રતીક છે, જ્યારે શ્રી કૃષ્ણને પરમાત્માનું પ્રતીક માનવામાં આવે છે. એવું પણ સમજવામાં આવે છે, જ્યારે આત્મા સાંસરીક બંધનોથી મુક્ત થઈને પરમાત્માને મળે છે ત્યારે વાસ્તવિક જીવનમાં શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની રોશનીમાં બહાર બેસવાનું આરોગ્ય માટે ફાયદાકારક છે.
આજના દિવસ દરમિયાન રાધા-કૃષ્ણ, સરસ્વતી માતા, શિવ-પાર્વતી અને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કૌમુદી પૂર્ણિમા યા શરદ પૂર્ણિમાના દિવસે ભગાવન કૃષ્ણએ વ્રજમાં ગોપીઓ સાથે રાસલીલા મનાવી હતી. રાતના શરદ પૂર્ણિમાની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે ચંદ્રમા 16 કલાથી પરિપૂર્ણ હોય છે અને ચંદ્રના કિરણોથી અમૃત વર્ષા થાય છે. એટલે દૂધ પૌંઆ યા ખીરનો પ્રસાદ ખાવાનું ચલણ છે. બીજી કંઈ ના કરો તો લક્ષ્મી માતાની પૂજા કરવાનું ચૂકશો નહીં, ઘર-પરિવારમાં આજીવન લક્ષ્મીજીની કૃપા રહેશે.