ઈલેક્શન પહેલા શરદ પવારને ઝેડ પ્લસ સુરક્ષા આપી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિની સરકારને મતદારોને રિઝવવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે હવે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે વિવિધ પાર્ટીમાં રોજરોજના નવા નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી હવે મહારાષ્ટ્ર અને ઝારખંડની રાહ જોવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારને કેન્દ્ર સરકારે ઝેડ પ્લસ સિક્યોરિટી આપીને સૌને ચોંકાવ્યા છે.
શરદચંદ્ર પવારની પાર્ટીના વરિષ્ઠ દિગ્ગજ નેતા શરદ પવારને કેન્દ્ર સરકારે ઝેડ પ્લસ સિક્યોરિટી આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ને મહારાષ્ટ્રના 83 વર્ષીય પૂર્વ મુખ્ય પ્રધાન શરદ પવારને સિક્યોરિટી પૂરી પાડવાની જવાબદારી સોંપી છે. ઝેડ પ્લસની સિક્યોરિટી માટે સીઆરપીએફની પંચાવન સશસ્ત્ર જવાનની એક ટીમને તહેનાત કરવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સી દ્વારા સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શરદ પવારને મજબૂત સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. તેથી શરદ પવારને ચૂંટણી પહેલા સુરક્ષા પૂરી પાડી છે. સીઆરપીએફની એક ટીમ તો અગાઉથી મહારાષ્ટ્રમાં છે.
ઝેડ પ્લસ સિક્યોરિટીને વીઆઈપી સુરક્ષામાં સર્વોચ્ચ માનવામાં આવે છે, ત્યાર બાદ ઝેડ, વાય પ્લસ, વાય અને એક્સ આવે છે. ઝેડ પ્લસ સિક્યોરિટીમાં 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ, 6 પીએસઓ એક જ સમયે રાઉન્ડ ધ ક્લોક, 24 જવાન બે એસ્કોર્ટમાં રાઉન્ધ ધ ક્લોક, પાંચ વોચર્સ બે શિફ્ટમાં રહે છે. એક ઈન્સ્પેક્ટર અથવા સબ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ રહે છે. વીઆઈપીના ઘરમાં અવરજવર માટે છ ફ્રિસ્ક્રિંગ અને સ્ક્રિનિંગ કરનારા લોકો તહેનાત રહે છે. એની સાથે રાઉન્ડ ધ ક્લોક ટ્રેન્ડ 6 ડ્રાઈવર રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન સિવાય મહારાષ્ટ્રના ચાર વખત મુખ્ય પ્રધાન પણ શરદ પવાર રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીમાં શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીને આઠ બેઠક પર જીત મળી હતી, જ્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના મુખ્ય નેતાઓમાં શરદ પવારનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હવે ઓક્ટોબરના પહેલા અઠવાડિયા દરમિયાન જાહેરાત થઈ શકે છે.
