Stockmarket: 8 દિવસમાં સેન્સેક્સમાં 2600 પોઈન્ટનું ગાબડું, માર્કેટની ચાલ કેવી રહેશે?
મુંબઈઃ વૈશ્વિક માર્કેટમાં ઉથલપાથલના વર્તારા વચ્ચે મુંબઈ શેરબજારના મહત્વના બેન્ચમાર્કમાં જોરદાર ધોવાણ થયું છે. વિદેશી રોકાણકારોની સાથે સ્થાનિક રોકાણકારો દ્વારા નિરંતર વેચવાલીને કારણે માર્કેટમાં એકતરફી ધોવાણ થઈ રહ્યું છે. વધતા ઘટાડા વચ્ચે માર્કેટમાં રોકાણકારો પણ વિમાસણમાં છે કે હવે આગળ રોકાણ કરવું કે રાઈટ પોઝિશન પકડીને સ્ટેબલ રહેવું જોઈએ. છેલ્લા આઠ દિવસમાં શેરબજારમાં 2,600 પોઈન્ટનો ઘટાડો થયો છે, તેથી હવે માર્કેટમાં મંદીમાં ખેલવાનું ચાલુ રાખવું કે હાજર સ્ટોક વેચીને બહાર નીકળવું. આજથી શરુ થતા સત્રમાં માર્કેટમાં શું હિલચાલ થશે એની વાત કરીએ.
આજથી શરુ થતા સપ્તાહમાં સ્ટોકમાર્કેટમાં ત્રિમાસિકગાળાના કંપનીના પરિણામોની જાહેરાત કરવામાં આવશે, જ્યારે વૈશ્વિક સ્ટોરમાર્કેટમાં ડોલરની મજબૂતાઈ સાથે વૈશ્વિક પરિબળો પણ ભાગ ભજવી શકે છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)ની ગતિવિધિઓ પર પણ નજર રહેશે. બીજી બાજુ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી કરવાની સાથે કંપનીઓના નબળા પરિણામો અને રશિયા-યુક્રેનની સાથે સાથે અમેરિકાની વધુ મજબૂત નીતિને કારણે શેરબજારમાં નકારાત્મક વલણ રહે તો નવાઈ રહેશે નહીં. ગયા અઠવાડિયા દરમિયાન સેન્સેક્સ-નિફ્ટીમાં સતત આઠમા ટ્રેડિંગ સત્રમાં નરમાઈ સાથે બંધ રહ્યા હતા.
હાલના તબક્કે વૈશ્વિક માર્કેટમાં ત્રિમાસિકગાળાના પરિણામોની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિને કારણે અસ્થિરતાના માહોલનું નિર્માણ થયું છે, તેથી આ સત્ર દરમિયાન પણ માર્કેટમાં સકારાત્મક વલણની અપેક્ષા રાખવામાં આવતી નથી. ઉપરાંત, ડોલરની મજબૂતાઈ અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવની ચાલ પણ માર્કેટ પર અસર કરી શકે છે.
અન્ય એક નિષ્ણાતે કહ્યું હતું કે કોર્પોરેટ સેક્ટરના પરિણામો પર સૌની નજર રહેશે, જ્યારે એફઆઈઆઈની વેચવાલી પર અસર થઈ શકે છે. ઉપરાંત, અમેરિકન ટેરિફની વૈશ્વિક વેપાર પડનારી અસર માર્કેટની ચાલ નક્કી કરશે. છેલ્લા અઠવાડિયા દરમિયાન મુંબઈ શેરબજારના 30 શેરના બેન્ચમાર્ક સેન્સેક્સ 2,644 પોઈન્ટ અથવા 3.36 ટકા તૂટ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 810 પોઈન્ટ અથવા 3.41 ટકાનું ગાબડું પડ્યું છે, પરિણામે માર્કેટમાં લાખો-કરોડો રુપિયાનું રોકાણકારોને નુકસાન થયું હતું.