24 કલાક કરતાં પણ લાંબો હશે દિવસ…વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો!
નવી દિલ્હીઃ દિવસ અને રાત મળીને 24 કલાકનો એક આખો દિવસ બને છે. પૃથ્વી તેની ધરીની આસપાસ ફરે છે ત્યારે ધરતી પર દિવસ અને રાત થાય છે. જોકે, હવે વૈજ્ઞાનિકો દ્વારા આ 24 કલાકના દિવસને લઈને મહત્વની માહિતી સામે આવી રહી છે. એક સંશોધન અનુસાર પૃથ્વીની આંતરિક કોરની ભ્રમણ ગતિમાં ક્રમશ ઘટાડો જોવા મળી રહ્યો છે અને એની અસરને કારણે દિવસનો સમયગાળો ૨૪ કલાક કરતા પણ વધે એવી શકયતા છે.
આ બાબતે માહિતી આપતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ ફેરફાર આજથી નહીં પણ 14 વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૦થી શરૂ થઈ ગઈ છે. જેને કારણે દિવસનો સમયગાળો પહેલાં કરતા વધારે લાંબો થયો છે. પૃથ્વીની આંતરિક કોર એક નક્કર સ્ફેયરની જેમ લોખંડ અને નિકલથી બનેલી છે અને તેની ચારે તરફ પિગળેલી ધાતુઓ અત્યંત ગરમ અને તરલ અવસ્થામાં છે. ભૂકંપ સમયે જે કંપન થાય છે તેના આધારે a અભ્યાસ કરવામાં આવ્યો છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ નેચર જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ પેપરને ટાંકીને જણાવ્યું હતું કે જો પૃથ્વીની ભ્રમણ ગતિની આ જ પદ્ધતિ કાયમ રહી તો હજારો વર્ષ બાદ દિવસનો ગાળો લાંબો થશે. અત્યારે આમાં એક સેકન્ડનો તફાવત જોવા મળી રહ્યો છે અને આ તફાવત હજી વધુને વધુ વધતો જશે. આશરે 24થી વધુ વિવિધ તર્કના આધારે એ સાબિત થયું હતું કે પૃથ્વીની ઇનર કોરમાં પરિવર્તન આવી રહયું છે. પૃથ્વીની ઇનર કોરને લઇને સંશોધકોમાં મતભેદ જોવા મળે છે. ૪૦ વર્ષમાં પ્રથમવાર ઇનર કોરની ભ્રમણ ગતિ મેટલ કરતા ઓછી છે.
આ બાબતે હાથ ધરવામાં આવેલી અન્ય એક સ્ટડીમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ગ્લોબલ વોર્મિગના લીધે ઠંડા પ્રદેશોમાં ગ્લેશિયર અને એન્ટાર્કટિકામાં બરફ ઝડપથી પીગળી રહયો છે અને એની અસર પૃથ્વીની ભ્રમણ પર જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ ૧૯૭૨માં પહેલી વખત લીપ સેકન્ડ જોડવામાં આવી હતી. આના પરથી એવું સ્પષ્ટ થયું હતું કે પૃથ્વી એક ગતિથી ફરતી નથી. આંતર કોર પૃથ્વીનો એ ભાગ છે જે ૫૫૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહે છે, જે ૩ હજાર માઇલ દૂર છે.
કાળા માથાના માનવીએ ચંદ્રની સફર તો સફળતાપૂર્વક ખેડી લીધી છે, પરંતુ પૃથ્વીના નીચાણવાળા ભાગ વિશે હજુ ઘણું બધું જાણવાનું બાકી છે.