SBIમાં છે તમારું બેંક એકાઉન્ટ? કરોડો ખાતાધારકો માટે ઉચ્ચારી ચેતવણી…
બનાવટી વેબસાઈટથી બચવા માટે બેંકે જાહેર કરી ગાઈડલાઈન; જાણો કેવી રીતે સુરક્ષિત રહેવું

આજના ડિજિટલ યુગમાં સુવિધાની સાથે સાયબર ક્રાઈમનું જોખમ પણ વધ્યું છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પોતાના કરોડો ગ્રાહકોને એક ગંભીર ચેતવણી આપવામાં આવી છે. સાયબર ક્રિમીનલ્સ હવે બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરીને ગ્રાહકોના એકાઉન્ટ સાફ કરી રહ્યા છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાખો ગ્રાહકોને એલર્ટ કરતી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. સ્કેમર્સ એસબીઆઈ જેવી જ દેખાતી નકલી વેબસાઈટ્સ બનાવીને લોકોની મહેનતની કમાણી ચોરી રહ્યા છે. આ વેબસાઈટ્સ દેખાવમાં એટલી હૂબહૂ છે કે તમે છેતરાઈ શકો છો. સ્કેમર્સ દ્વારા બિછાવવામાં આવેલી આ જાળમાંથી તમે કઈ રીતે બચી શકો છો અને શું તકેદારી રાખવી જોઈએ એ વિશે પણ આગળ માહિતી આપવામાં આવી છે.
સ્કેમર્સ કેવી રીતે જાળ બિછાવે છે?
સાયબર ક્રિમીનલ્સ શિકારને એસએમએસ કે પછી વોટ્સએપ પર એક લિંક મોકલે છે. આ લિંક પર ક્લિક કરતા જ એસબીઆઈ જેવી જ દેખાતી વેબસાઈટ ખુલે છે. જેને ફિશિંગ વેબસાઈટ તરીકે ઓળખવામાં આવે છે. આ સાઈટનો મુખ્ય હેતુ ગ્રાહકોના યુઝરનેમ, પાસવર્ડ અને સૌથી મહત્વનો ઓટીપી ચોરી કરવાનો હોય છે. એક વખત તમે સાઈટ તમારી પર્સનલ ડિટેઈલ્સ આપી દો પછી તેઓ તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લે છે.
આ રીતે ઓળખો બનાવટી વેબસાઈટ
એસબીઆઈ દ્વારા ગ્રાહકોને કેટલીક મહત્વની ટિપ્સ આપવામાં આવે છે. જેમ કે હંમેશા બ્રાઉઝરમાં વેબસાઈટનું એડ્રેસ તપાસો. એસબીઆઈની સત્તાવાર સાઈટ https://bank.sbi/ જ છે. bit.ly અથવા tinyurl જેવી શોર્ટ લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરો. બેંક ક્યારેય તમારી પાસે ફોન કે મેસેજ દ્વારા OTP કે પાસવર્ડ માંગતી નથી. જો કોઈ આવું માંગે તો તે ઠગ છે.
જો તમે ફસાઈ ગયા હોવ તો શું કરવું?
જો ભૂલથી તમે કોઈ શંકાસ્પદ કે બનાવટી લિંક પર ક્લિક કરી દીધું હોય કે પછી તેના પર પર્સનલ ઈન્ફર્મેશન શેર કરી હોય તો ગભરાવાને બદલે તરત જ આ પગલાં લો.
1. તાત્કાલિક તમારો ઈન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ અને MPIN બદલી નાખો.
2. એકાઉન્ટમાં કોઈ પણ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન દેખાય તો 1800112211 પર કોલ કરો.
3. સાયબર ફ્રોડની ફરિયાદ કરવા માટે 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર જઈને ઓનલાઈન રિપોર્ટ કરો.
4. તમારી નાનકડી એવી સાવધાની પણ મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે. હંમેશા સત્તાવાર YONO SBI એપ અથવા બેંકની ઓફિશિયલ વેબસાઈટનો જ ઉપયોગ કરો.
