December 20, 2025
ગુજરાત

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ: 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

Spread the love

સરદાર સરોવર ડેમ ૭૭ ટકાથી વધુ ભરાયો, મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧ ટકાથી વધુ

ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૧૦.૭૫ ઇંચ તથા દ્વારકા તાલુકામાં ૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે પોરબંદર તાલુકામાં ૪ ઈંચ જેટલો, માંગરોળ તાલુકામાં ૩.૭૪ ઈંચ, સૂત્રાપાડા તાલુકામાં ૩.૩૫ ઈંચ, જાફરાબાદ તાલુકામાં ૩૦૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

મેંદરડામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો
બુધવારે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં ૫ ઈંચથી વધુ તથા કેશોદમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં ૪.૭૬ ઈંચ તથા ગીર સોમનાથના તલાલા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 21 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

સરદાર સરોવર ડેમ 77 ટકા ભરાયો
અમરેલીના રાજુલાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા ખેરા, પટવા અને ચાંચબંદર ગામો સંપર્કવિહોણા બન્યા છે. સમઢિયાળા ગામનો બંધારો ઓવરફ્લો થતાં આ ત્રણ ગામોને જોડતો એકમાત્ર રસ્તો બંધ થયો છે. ગ્રામજનોએ સરકાર પાસે આ સમસ્યાના કાયમી નિવારણ માટે બ્રિજ બનાવવાની માંગ કરી છે. રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ ૨૬,૦૧૭૪ એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ ૭૭.૮૮ ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૧૫,૫૩૭ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના ૭૪.૪૮ ટકા છે.

રાજ્યમાં હાલ ૬૪ ડેમને હાઈ એલર્ટ
૨૯ ડેમને એલર્ટ તથા ૨૧ ડેમને વોર્નીગ આપવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ બુધવારે સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧ ટકાથી વધુ નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૩ ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં ૭૨ ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં ૬૯.૯૨ ટકા તેમ જ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો ૬૯.૦૬ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!