ઉનાળામાં નહીં પડે પાણીની તંગીઃ રાજ્યના જળાશયોમાં 72 ટકાથી વધુ જળસંગ્રહ
માર્ચ મહિનાના હજુ દસ દિવસ પૂરા થયા છે, ત્યારે રાજ્યમાં આકરા ઉનાળાએ દેખા દીધી છે. રાજ્યના અનેક શહેરોમાં બર ભપોરે હીટવેવ ફૂંકાવવાની અસર જોવા મળી રહી છે. 41 ડિગ્રીનું તાપમાન વધીને હજુ પચાસ ડિગ્રીને દેખા દે તો નવાઈ નહીં. અત્યારે ગેસ-ગરમીના સંકટ વચ્ચે રાજ્યમાં પાણીની તંગી ઊભી થાય એની શક્યતા નથી. રાજ્યના મહત્ત્વના જળાશયોની સાથે લાઈફલાઈન સમાન સરદાર સરોવર ડેમમાં પર્યાપ્ત પાણીનો સ્ટોક હોવાનું જણાવ્યું છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી. આ અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ ૬.૪૬ લાખ MCFT એટલે કે, ૭૨ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે સરદાર સરોવર ડેમમાં 74% અને રાજ્યના અન્ય જળાશયોમાં કુલ 72% પાણીનો સંગ્રહ થયો છે, જેથી પાણીનું કોઈ સંકટ ઊભું થઈ શકે નહીં.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો જથ્થો ૪.૧૫ ટકા વધારે એટલે કે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જ હાલની સ્થિતિએ ૭૪ ટકાથી વધુ એટલે કે ૨.૪૭ લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૨.૩૪ લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં ઉપલબ્ધ છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ MCFT, ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ MCFT, સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
