December 20, 2025
ગુજરાત

ગુજરાતના હિલસ્ટેશન સાપુતારા જઈ રહ્યા છો તો મોનસૂન ફેસ્ટિવલમાં લાભ લેવાનું ચૂકતા નહીં…

Spread the love


ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં થયો અભૂતપૂર્વ વધારો, 2024માં 26.91 લાખ લોકો આવ્યા

ગુજરાતના ડાંગી, મણિયારોથી માંડીને 12 રાજ્યોના પરંપરાગત નૃત્યો માણવાની મળશે તક

પ્રથમ વખત ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે


ગુજરાત ઉત્સવપ્રિય રાજ્ય છે, જે દરેક ઉત્સવ સાથે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરે છે. રાજ્યના ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે અને આ રમણીય હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળે છે. એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે. આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે. સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ આવતીકાલથી 26 જુલાઈ 2025થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સાપુતારા ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. આજે આ ફેસ્ટિવલ દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ડાંગમાં પર્યટન, વિકાસ અને રોજગારીને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા આયોજિત સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025નો 26 જુલાઈએ રંગેચંગે પ્રારંભ થશે અને સાપુતારા વિવિધ સાંસ્કૃતિક અને પ્રાદેશિક પ્રવૃત્તિઓ દ્વારા જીવંત બની જશે. આ ફેસ્ટિવલ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા અને મહોત્સવને નિહાળવા માટે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે.

ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 350થી વધુ કલાકારો ભાગ લેશે
અખૂટ કુદરતી સૌંદર્ય ધરાવતા ગિરિમથક સાપુતારામાં આયોજિત મોનસૂન ફેસ્ટિવલની ખાસિયત એ છે કે પ્રવાસીઓને ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ, રીતિ રિવાજ, પરંપરાગત ભોજન, રહેણી કરણી, નૃત્ય કળાની ઝલક તો જોવા મળે છે, સાથે વિવિધ ભાતીગળ સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે. સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025માં આ વર્ષે પ્રથમ વખત એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13 રાજ્યો- ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાના 350થી વધુ કલાકારો ભાગ લેશે. આ કલાકારો પરેડમાં પરંપરાગત પ્રોપ્સ સાથે જીવંત લોક પરંપરાઓ રજૂ કરશે. તો આ વર્ષે રેઈન ડાન્સ અને નેચર વૉક જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે.

80થી વધુ કલાકારો તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રજૂ કરશે
પ્રવાસીઓને વિવિધ શાસ્ત્રીય કળા અને લોક પરંપરાઓને નિહાળવાની મળશે તક
સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં આયોજિત “ગ્રાન્ડ ક્લાસિકલ અને લોક પ્રદર્શન”માં 13 રાજ્યો- ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, મણિપુર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામના 80થી વધુ કલાકારો તેમની શાસ્ત્રીય અને લોક પરંપરાઓ દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક રંગો રજૂ કરશે.

પ્રવાસીઓને સમગ્ર સાપુતારામાં ટેબ્લો શૉ જોવા મળશે
મોનસૂન ફેસ્ટિવલના અન્ય મુખ્ય આકર્ષણોમાં ગીતાબેન રબારી, પાર્થ ઓઝા અને રાગ મહેતા જેવા પ્રખ્યાત ગુજરાતી કલાકારો ઉપરાંત કેરળનું પ્રખ્યાત થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બૅન્ડ પણ ખાસ પર્ફોર્મન્સ રજૂ કરશે. પ્રવાસીઓને સમગ્ર સાપુતારામાં ટેબ્લો શૉ જોવા મળશે, તો સન્ડે સાઇક્લોથોન, દહીં હાંડી સ્પર્ધા સાથે જન્માષ્ટમીની ઉજવણી અને સ્વતંત્રતા દિવસે આયોજિત મિનિ મૅરથોન વગેરે કાર્યક્રમો સાંસ્કૃતિક અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!