વીડિયો પોસ્ટ કરીને Salman Khanને ધમકી આપનારની રાજસ્થાનથી ધરપકડ…
મુંબઈ: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન (Bollywood Superstar Salman Khan) ની મુશ્કેલીઓ કંઈ ઘટવાનું નામ નથી લઈ રહી. હજી તો પોલીસ બાંદરા ખાતે આવેલા તેના ઘર પર થયેલા ગોળીબારની તપાસ કરી રહી છે ત્યાં બીજી બાજું બાજુ ફરી એક વખત સલમાનને ધમકી આપતો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વિડિયો અપલોડ કર્યો છે અને સલમાનને ધમકી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 14મી એપ્રિલના સવારે 5 વાગ્યાની આસપાસ બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના બાંદ્રા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો.
હવે બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરીને અભિનેતાને ધમકી આપી છે અને ધમકી આપનાર આરોપી બનવારીલાલ લટુરલાલ ગુજરની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
એક્ટર સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ મુંબઈના સાઉથ સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકો દ્વારા થોડા દિવસ પહેલા યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કરીને સલમાન ખાનની હત્યાને લઈ નિવેદન આપ્યું હતું. મુંબઈની સાયબર પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 506(2),504, 34 સાથે આઈટી એક્ટની કલમ 66(ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ માટે એક ટીમને રાજસ્થાન મોકલી હતી અને રાજસ્થાનથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પકડાયેલા આરોપી ગુજ્જરને મુંબઈ લાવીને 3 કલાક સુધી તેની પુછપરછ કરવામાં આવી છે.
આ અગાઉ પણ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સલમાન ખાન સોહેલ ખાન અને અરબાઝ ખાનની 2-2 કલાક પુછપરછ કરી હતી. આ પૂછપરછમાં સલમાન ખાને જણાવ્યું હતું કે, તે હવે સતત મળી રહેલી ધમકીઓથી પરેશાન થયો છે. બંન્ને ભાઈઓને પોલીસે છ કલાકમાં 150 સવાલો પૂછ્યા હતા.