December 21, 2025
ગુજરાતટોપ ન્યુઝ

સાબરમતી જેલનો કેદી થયો રફ્ફુચક્કરઃ પોલીસની ઊંઘ હરામ

Spread the love

અમદાવાદઃ અમદાવાદની સાબરમતી જેલમાં આજીવન કારાવાસનો કેદી ફરાર થઈ જતા જેલ અને હોસ્પિટલ પ્રશાસનની ઊંઘ હરામ કરી નાખી છે. જેલમાં આજીવન કેદની સજા ભોગવનાર કેદી જેલમાંથી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા પછી શનિવારે સાંજના સાડાપાંચ વાગ્યા સુધી પાછો ફર્યો નહોતો. આ બાબતમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પાટણનો રહેવાસી 36 વર્ષનો કેદી થયો ફરાર
રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ફરાર કેદીની ઓળખ મનુજી ઠાકોર (36) તરીકે કરવામાં આવી છે. મનુજી ઠાકોર મૂળ પાટણના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે ફરાર કેદીનું પગેરું શોધવા શોધખોળ આદરવામાં આવી છે, જ્યારે બહુ ઝડપથી પકડી લેવામાં આવશે.
જેલર દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
જેલ પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે અમદાવાદની સાબરમતી જેલના કેદી નંબર 15502 અને ગ્રુપ જેલર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દસમી જાન્યુઆરીના બાબુભાઈ ઓપન જેલમાં ડ્યૂટી પર હતા, ત્યારે હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવનારા કેદી મનુજીની તબિયત બગડી હતી. ત્યાર બાદ કોન્સ્ટેબલ પ્રદ્યુમન સિંહ ચૌહાણની સાથે સાંજના 4.45 વાગ્યાના સુમારે સેન્ટ્રલ જેલની બહાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, સાંજના 5.30 વાગ્યા સુધી પરત નહીં ફરતા કોન્સ્ટેબલે જેલરને કેદી ભાગી ગયો હોવાની જાણકારી આપી હતી.
ખબર પડી 13 કેદી ઓપન જેલમાં હતા
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મનુજી ઠાકોર ફરાર થયા પછી જેલના કેદીઓની ગણતરી કરવા જણાવ્યું હતું. ઓપન જેલમાં 14 કેદીને રાખવામાં આવ્યા હતા, પરંતુ એમાંથી ગણતરી કરવામાં આવ્યા પછી 13 કેદી મળ્યા હતા. 13 કેદીની ગણતરી કર્યા પછી ખબર પડી હતી કે મનુજી ઠાકોર ગુમ છે. સાબરમતી સેન્ટ્રલ જેલનો કેદી મનુજી ઠાકોર ફરાર થયા પછી જેલના સુપરિટેન્ડન્ટે સિનિયરને માહિતી આપી હતી. એના પછી જેલ પ્રશાસન દ્વારા જેલમાં અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈ નહીં મળતા એફઆઈઆર નોંધાવી હતી. ફરાર કેદીને પકડવા માટે સેન્ટ્રલ જેલની સાથે સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીની મદદ લેવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!