February 4, 2026
ટોપ ન્યુઝ

રોહિત શેટ્ટીએ ₹ 35ની મજૂરીથી લઈ ₹ 300 કરોડનું સામ્રાજ્ય કઈ રીતે ઊભું કર્યું?

Spread the love

રોહિત શેટ્ટી આજે બોલીવુડના સૌથી અમીર નિર્દેશકોમાં સામેલ છે, પરંતુ એક સમય એવો પણ હતો, જ્યારે તેઓ પૈસા બચાવવા માટે પગપાળા ચાલતા હતા. રોહિતના પિતા એમ. બી. શેટ્ટી 70 અને 80ના દાયકામાં બોલીવુડના જાણીતા વિલન અને એક્શન કોરિયોગ્રાફર હતા, પરંતુ રોહિત શેટ્ટીના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. આવી સ્થિતિમાં પરિવારને સપોર્ટ કરવા માટે તેમણે ફિલ્મ જગતમાં ઝંપલાવ્યું હતું અને સંઘર્ષ વચ્ચે પણ સફળતાના શિખરો સર કર્યા હતા. આજે કોમેડીથી લઈને એક્શન ફિલ્મો બનાવવા માટે રોહિત શેટ્ટીનો જોટો જડે એમ નથી. રવિવારે જ તેના ઘર નજીક ફાયરિંગ થયું હતું તેને કારણે ચર્ચમાં આવ્યો હતો, પરંતુ એને કઈ રીતે પોતાનું સામ્રાજ્ય બનાવ્યું એની વાત કરીએ.

રોહિત શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ ફિલ્મ સેટ પર કામ કરતા હતા જેથી પરિવારને મદદ કરી શકે. તે સમયે તેમની ઉંમર 17 વર્ષ હતી. તેમને આખા દિવસના 35 રૂપિયા મળતા હતા. આવી સ્થિતિમાં તેઓ પૈસા બચાવવા માટે બે કલાક પગપાળા ચાલતા હતા. તેઓ મલાડથી અંધેરી પોતાના ઘરે ચાલીને જતા હતા. આગળ જતાં તેમને ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ મળ્યું. રોહિતે ખૂબ જ સંઘર્ષ કર્યો. ત્યારબાદ ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું અને પોતાનું નસીબ બદલી નાખ્યું.

બ્લોકબસ્ટર ફિલ્મો અને નેટવર્થ
રોહિત શેટ્ટીએ ‘સિંઘમ’ અને ‘ગોલમાલ’ સિરીઝની ઘણી ફિલ્મો બનાવી. આ ફિલ્મોએ તેમને બોલિવૂડમાં એક દિગ્દર્શક તરીકે ઓળખ અપાવી. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ ખૂબ ચાલી, જેનાથી તેમની નેટવર્થમાં વધારો થયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે રોહિત શેટ્ટી પાસે 300 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે.

જુહુમાં આલિશાન 10 માળનું ઘર
રોહિત શેટ્ટીની નેટવર્થમાં તેમનું જુહુ સ્થિત ઘર પણ સામેલ છે (જેના બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે). ડાયરેક્ટર પાસે જુહુમાં 10 માળની એક બિલ્ડિંગ છે. તેમાં એક મોટું ગેરેજ પણ છે, જ્યાં લાખો-કરોડોની ગાડીઓ પાર્ક કરેલી હોય છે. જુહુના આ ઘરમાં તેઓ પત્ની માયા, પુત્ર ઈશાન અને માતા સાથે રહે છે. રોહિત શેટ્ટીએ રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ, તેમણે જુહુમાં કેટલીક અન્ય પ્રોપર્ટીઝ પણ ખરીદી છે, જેની કિંમત કરોડોમાં છે. એવા પણ સમાચાર છે કે નવી મુંબઈમાં રોહિત પાસે 6 કરોડ રૂપિયાનો વિલા છે.

લક્ઝરી કાર કલેક્શન
રોહિત શેટ્ટીએ માત્ર પ્રોપર્ટીમાં જ રોકાણ નથી કર્યું, તેમને ગાડીઓનો પણ ઘણો શોખ છે. તેમની પાસે લેમ્બોર્ગિની, મર્સિડીઝ, ફોર્ડ મસ્ટાંગ જીટી ઉપરાંત ઘણી મોંઘી કારો છે. આ કારોની કિંમત લાખો અને કરોડો રૂપિયામાં છે.

પોતાનું પ્રોડક્શન હાઉસ
રોહિત શેટ્ટીએ માત્ર ફિલ્મોનું નિર્દેશન જ નથી કર્યું, તેમણે વર્ષ 2016માં પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ તેમણે ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. રોહિત શેટ્ટીની ઘણી ફિલ્મોએ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!