મોન્સૂન મસ્તી બની મોતનું માતમ: રાયગઢમાં રિઝવી કોલેજના ચાર વિદ્યાર્થીઓનું ડૂબી જતા મૃત્યુ
મુંબઈઃ રાયગઢ ખાતે મોન્સૂન પિકનીક કરવા માટે ગયેલાં મુંબઈની રિઝવી કોલેજના ચાર વિદ્યાર્થીઓનું ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી રહી છે.
ખાલાપુર તાલુકાના વાવર્લે ગામના પોખરવાડી ખાતે આ દુર્ઘટના બની હતી. અહીં આવેલા સત્ય સાંઈ બાબા ડેમ પાસે 37 જેટલા વિદ્યાર્થીઓ મોન્સૂન પિકનીક માટે આવ્યા હતા, જેમાંથી ચાર જણના મૃત્યુ થયા હતા. મૃતકોની ઓળખ એકલવ્ય સિંહ, ઈશાંત યાદવ, આકાશ માને અને રણત બંડા તરીકે કરવામાં આવી છે.
મુંબઈના સ્ટુડન્ટ્સનું એક ગ્રુપ રાયગઢ ખાતે ચોમાસામાં પિકનીક મનાવવા પહોંચ્યું હતું. 37 વિદ્યાર્થીઓના આ ગ્રુપમાં 17 વિદ્યાર્થિનીઓ હતી. આ તમામ વિદ્યાર્થીઓ સોંડાઈ કિલ્લા પર ટ્રેકિંગ કરવા માટે આવ્યા ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે ધાવડી નદી ખાતે બનાવવામાં આવેલા ધોધમાં આ વિદ્યાર્થીઓ મોજ-મસ્તી કરવા માટે ઉતર્યા હતા. પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા ચાર વિદ્યાર્થીઓનું ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હતું. ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ખાલાપુર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીએ આ બાબતે આપેલી માહિતી અનુસાર વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સામાજિક સંસ્થાઓ અને પોખરવાડીના સ્થાનિક યુવકોની મદદ લેવામાં આવી હતી. ખાલાપુર તાલુકાના વરિષ્ઠ પોલીસ અધિકારી પણ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા.