બાંગ્લાદેશમાં અનામતના વિરોધઃ 100થી વધુ લોકોના મોત, હિંસા વચ્ચે દેશ લશ્કરના હવાલે

ઢાકાઃ બાંગ્લાદેશમાં અનામતને લઈ ભડકેલી હિંસા દિવસો સુધી ચાલી છે, જેમાં હિંસા-આગજનીના બનાવો વચ્ચે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મોત થયા છે. એના સિવાય અનેક લોકોને ઈજા પહોંચવાના અહેવાલ સાથે સરકારી સંપત્તિને નુકસાન થયું છે. વડા પ્રધાન શેખ હસીનાએ વિરોધ કરનારા વિદ્યાર્થીઓ પર કરેલી ટિપ્પણી પછી પરિસ્થિતિ વધુ વકરી હતી, જેને કારણે દેશમાં સંચારબંધી લાગુ પાડવામાં આવી છે. બાંગ્લાદેશમાં તોફાનોને કારણે સ્કૂલ-કોલેજ, સરકારી કચેરીઓ બંધ કરવામાં આવી છે, જ્યારે ઈન્ટરનેટની સાથે રેલવે સર્વિસીસ ઠપ છે. દેશમાં હિંસાને કાબૂમાં લેવા માટે આર્મીને ઉતારવામાં આવી છે. સરકારે પ્રદર્શનકારીઓને જોતા ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં અનામતની આગ વધુ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે, જેથી હિંસક વાતાવરણ ઊભું થયું છે. હિંસાના માહોલ વચ્ચે વડા પ્રધાન શેખ હસીના વતીથી ટિપ્પણી કરવામાં આવ્યા પછી વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા. શેખ હસીનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નોકરીની વાત આવે છે ત્યારે શું રજાકારના દીકરી-દીકરા યા પૌત્ર-પૌત્રીઓને લાભ મળવો જોઈએ. પીએમ શેખ હસીનાની આ ટિપ્પણી પછી નારાજ વિદ્યાર્થીઓએ પ્રદર્શન વધારે ઉગ્ર બનાવ્યું હતું.
પીએમની ટિપ્પણી પછી હિંસા વકરી
પીએમ શેખ હસીનાની આ ટિપ્પણી પછી નારાજ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કરતા નારા લગાવ્યા હતા કે મૈં કોન, તુમ કૌન, રજાકાર, રજાકારના સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરનારા લોકોએ સરકારી સંસ્થાઓમાં આગ લગાવી દીધી હતી. દેશમાં સરકારી સંસ્થા, સ્કૂલ, રેલવેને અચોક્કસ મુદતને કારણે બંધ રાખવાની જાહેરાત કરી છે. ઈન્ટરનેટની સેવા બંધ કરવામાં આવી છે.
અનામતનો શા માટે વિવાદ?
બાંગ્લાદેશમાં 1971ના યુદ્ધમાં મુક્તિ યુદ્ધ વખત શહીદ થયેલા સૈનિકના પરિવારને સરકારી નોકરીમાં અનામત મળતું હતું. એમાં અમુક હોદ્દા પર મહિલાઓને 10 ટકા અને દિવ્યાંગોને પણ અનામત આપવામાં આવે છે. 1971ના સ્વાતંત્રતા સંગ્રામના યુદ્ધ લડનારા સૈનિકોના પરિવારના સભ્યો માટે સરકારની નોકરીમાં 30 ટકા અનામતની જોગવાઈ છે. વિદ્યાર્થીઓના સંગઠનોએ તેનો વિરોધ વ્યક્ત કરીને આ નીતિને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે, કારણ કે સૌથી વધુ પગારવાળી નોકરીની ભરતીમાં ફક્ત બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધના સેનાના જવાનોના પરિવારના સભ્યો યા સંબંધીઓને ફાયદો થાય છે.
કોણ છે રજાકાર?
બાંગ્લાદેશમાં આખરે આ રજાકાર કોણ છે એ સવાલનો જવાબ આપીએ તો બાંગ્લાદેશ-પાકિસ્તાનના વિભાજપ દરમિયાન પૂર્વ પાકિસ્તાનમાં રજાકાર નામની એક કૂર સેના પાકિસ્તાન તરફથી ગઠિત કરવામાં આવી હતી. રજાકારનો અર્થ સહાયક થાય છે અને પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનના વિભાજન સામે પાકિસ્તાની સમર્થક લોકોએ સેના બનાવી હતી.
આ રજાકારોએ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ વખતે બાંગ્લાદેશીઓ પર અત્યાચાર કર્યા હતા, જે બાંગ્લાદેશમાં રજાકાર એ શબ્દ અપમાનજનક છે. દેશદ્રોહી અને હિંસક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામાં આવે છે. બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ વખતે રજાકારોએ પાકિસ્તાનની સેના માટે જાસૂસનું કામ કર્યુ હતું. બાંગ્લાદેશની પ્રજાના મનમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ અગાઉ 2018માં અનામત મુદ્દે દેશમાં હિંસક વિરોધ-પ્રદર્શનો થયા હતા.
