February 13, 2026
મહારાષ્ટ્ર

જયંત પાટીલ અજિત પવારની પાર્ટીના નેતાને મળતા ઉથલપાથલના એંધાણ

Spread the love

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (એમવીએ) પછી મહાયુતિના નિર્માણ પછી બંને મહાગઠબંધનમાં ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિશેષ ચહલપહલ જોવા મળી રહી છે. અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા શરદ પવારની પાર્ટીના નેતાઓને મળ્યાની વારંવાર ચર્ચાઓ પછી ફરી એક વખત હવે આ જ ચર્ચાએ જોર પકડયું છે કે અજિત પવાર જૂથના નેતાને શરદચંદ્ર પવાર (એનસીપી)ની પાર્ટીના વરિષ્ઠ નેતા જયંત પાટીલ મળ્યા છે. આ અહેવાલથી મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઉથલપાથલ થવાની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.
શરદ પવારની એનસીપીના પ્રમુખ જયંત પાટીલ હવે પાર્ટીને મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે જયંત પાટીલ એનસીપીના વિધાનસભ્ય બાબાજાની દુર્રાનીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. વિધાન પરિષદના સભ્ય અને અજિત પવારની પાર્ટીના જિલ્લા પ્રમુખ બાબાજાની દુર્રાનીના પાથરી સ્થિત નિવાસસ્થાને જયંત પાટીલ સાથે કરેલી મુલાકાત અંગે અટકળો તેજ થઈ છે. હવે એવું કહેવાય છે કે બાબારાજ દુર્રાની શરદ પવારના જૂથમાં સામેલ થઈ શકે છે.
બાબાજાની દુર્રાની હાલમાં અજિત પવાર જૂથના પરભણીના જિલ્લા પ્રમુખ છે અને હવે તેમનો વિધાન પરિષદનો કાર્યકાળ થોડા દિવસોમાં પૂરો થશે ત્યારે જયંત પાટીલ સાથેની તેમની મુલાકાત અંગે સિક્રેટ રાખવામાં આવ્યું છે. બંધ બારણે યોજવામાં આવેલી મુલાકાત અંગે કોઈ નક્કર નિવેદન પણ કરવામાં આવ્યા નથી.
આ અગાઉ અજિત પવાર જૂથના જુન્નરના વિધાનસભ્ય અતુલ બેનકેએ શરદ પવારને મળ્યા હતા. હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અતુલ બેનકે અજિત પવારને છોડીને શરદ પવાર જૂથમાં સામેલ થશે. શરદ પવારને મળ્યા પછી અતુલ બેનકેએ કહ્યું હતું કે રાજકારણમાં કંઈ પણ થઈ શખે છે અને અજિત પવાર અને શરદ પવાર પણ એક થઈ શકે છે, એવું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આ મુલાકાત પૂર્વે શરદ પવારે દાવો કર્યો હતો કે અજિત પવાર જૂથના અમુક વિધાનસભ્ય જયંત પાટીલના સંપર્કમાં છે, જ્યારે બીજી બાજુ અજિત પવાર જૂથના નેતાઓનું કહેવું હતું કે શરદ પવાર જૂથના નેતા તેમના સંપર્કમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!